આમોદ-જંબુસર માર્ગ પરના ઢાઢર નદીના બ્રિજ પરથી ભારે વાહનોને પસાર કરાવવા બદલ 500-1000 ની ગેરકાયદેસર ઉઘરાણી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપોથી વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટર વર્ગમાં ભારે રોષ ફેલાયો છે. ભરૂચ જિલ્લા કલેક્ટરના સ્પષ્ટ આદેશો હોવા છતાં કથિત રીતે ઢાઢર બ્રિજ ખાતે તહેનાત કર્મચારી દ્વારા પૈસા લઈને ઓવરલોડ ટ્રકોને બ્રિજ પરથી પસાર કરવાની છૂટ અપાતી હોવાના આક્ષેપોથી સમગ્ર મામલો ગરમાયો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઢાઢર નદીનો આ બ્રિજ છેલ્લા પાંચ મહિનાથી ભારે વાહનો માટે બંધ છે. જેના કારણે વાહનચાલકોને 80 કિલોમીટરથી વધુનો ફરજિયાત ફેરાવો કરવો પડે છે. આ લાંબા માર્ગે ડીઝલનો ખર્ચ, સમય અને મજૂરીનો બોજ વધતાં લોકો પહેલાથી જ હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોની વ્યથા છે કે, અમારે નિયમો પાળવાના અને બીજાઓ કટકી આપી પાર થઈ જાય તો કાયદો અને નિયમો ક્યાં છે.? ઉઘરાણીનો આ ખેલ અનેક ફરિયાદો છતાં બંધ થતો નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે.
દિવસ દરમિયાન જંબુસર તરફથી એક ઓવરલોડ ટ્રક બ્રિજ પરથી પસાર થતાં જ વાહનચાલકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને સ્થળ પર વાતાવરણ ઉગ્ર બન્યું હતું. મામલો બિચકાતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી અને બે ટ્રકોને પોલીસ સ્ટેશન લઈ જવાની કાર્યવાહી કરી હતી. વાહન ચાલકોનો સવાલ છે કે, બ્રિજનું સમારકામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં તેને મોટા વાહનો માટે ખોલવામાં કેમ નથી આવતો? જો બ્રિજ નબળો હોય તો રૂપિયા લઈને 20 ટનથી વધુ વજન ધરાવતી ટ્રકોને પસાર થવા દેવી એ કાયદાનું કેવું પાલન ગણાય? આ પ્રકારની મંજૂરી આપવી તે બ્રિજની સુરક્ષાને સીધો જોખમમાં મૂકવા સમાન છે. ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ બ્રિજ ટૂંક સમયમાં આંશિક રીતે શરૂ થવાની આશા વ્યક્ત કરી છે. જોકે, વાહનચાલકો દ્વારા કરાયેલા ઉઘરાણીના આક્ષેપોની યોગ્ય અને તટસ્થ તપાસ થવી અનિવાર્ય છે. જેથી પારદર્શિતા જળવાય અને ભ્રષ્ટાચારને ડામી શકાય.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com