Geo Gujarat News

વાગરા: દહેજ ઔદ્યોગિક વિસ્તાર આપત્તિ મુક્ત કરવા સજ્જ, ઓપેલ અને પેટ્રોનેટ ખાતે મેગા ઓઇલ-કેમિકલ મોકડ્રિલ યોજાઈ

વાગરા તાલુકાના દહેજ સ્થિત વિશાળ ઔદ્યોગિક સંકુલમાં સંભવિત ઓઇલ અને કેમિકલ ડિઝાસ્ટરનો સામનો કરવા માટે વહીવટી તંત્રની કટોકટીની સજ્જતા ચકાસવા આજે નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાની મેગા ઓફ-સાઇટ મોકડ્રિલ યોજાઈ હતી. પેટ્રોનેટ એલ.એન.જી. અને ઓપેલ ઓએનજીસી ખાતે યોજાયેલી આ મોકડ્રિલમાં બે અલગ-અલગ ગંભીર દૃશ્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વહીવટી તંત્રની ત્વરિત અને સંકલિત કામગીરી ખૂબ જ અસરકારક જોવા મળી હતી. મોકડ્રિલમાં લેવલ-3 ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. એક દૃશ્યમાં, ઓપેલ ઓએનજીસી ખાતે પ્રોપીલિન લીકેજને કારણે વિસ્ફોટ અને આગ લાગી હતી, જેમાં 10 લોકોને ઈજા થઈ હતી. જ્યારે બીજા દૃશ્યમાં, પેટ્રોનેટ એલ.એન.જી.ની 16 ઇંચની પાઇપલાઇનમાં ભંગાણ પડવાથી ક્રૂડ ઓઇલ લીકેજ અને આગની ઘટના દર્શાવાઈ હતી.આપત્તિની જાણ થતાં જ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની સૂચનાથી નાયબ કલેકટર એમ.એન. મનાણી દહેજ ખાતે દોડી ગયા હતા. જેમાં પેટ્રોનેટ ખાતે NDRF અને સ્થાનિક તંત્રના સહયોગથી 222 વ્યક્તિઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં 4 વધુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અપાઈ, કુલ 27 જેટલા ફાયર વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યારે પોલીસ ટીમે વાહન વ્યવહારનું સુચારું નિયમન કર્યું. આરોગ્ય તંત્ર દ્વારા પી.એચ.સી. સેન્ટર ખાતે કામચલાઉ હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. આ મોકડ્રિલમાં કોસ્ટગાર્ડ સહિત વહીવટી તંત્રની તમામ ટીમોની કામગીરી ખૂબ જ પ્રસંશનીય રહી હતી. મોકડ્રિલના અંતે, નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે નાયબ કલેકટર શ્રી મનાણીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. ટીમોની કાર્યદક્ષતાની પ્રશંસા કરવાની સાથે, મુક્ત મને ચર્ચા દ્વારા કામગીરીમાં રહી ગયેલી નાની-મોટી ખામીઓને ઓળખી તેને સુધારવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવી હતી, જેથી દહેજનો ઔદ્યોગિક વિસ્તાર ભવિષ્યની કોઈપણ આપત્તિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ બની શકે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.