કોંગ્રેસ પાર્ટીના દિવંગત વરિષ્ઠ નેતા મર્હુમ અહેમદ પટેલની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આજે વાગરા ખાતે પુષ્પાંજલિ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાવપૂર્ણ કાર્યક્રમમાં અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પિતાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું. વાગરા ખાતે યોજાયેલા આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણી નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌએ મર્હુમ અહેમદ પટેલના સરળ સ્વભાવ, રાજકારણમાં તેમના અમૂલ્ય યોગદાન અને હંમેશા લોકહિત પર ભાર મૂકતા તેમના અભિગમને યાદ કર્યો હતો. સૌએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મર્હુમ નેતાની પુણ્યતિથિને માનવસેવાના કાર્ય સાથે જોડીને વાગરા વિધાનસભા યુવક કોંગ્રેસ દ્વારા વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના સાથે મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ શિબિરમાં કુલ ૪૦ યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે કાર્યકરોએ તેમના નેતાના સેવાકીય વારસાને જાળવી રાખ્યો છે. આ પ્રસંગે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, વાગરા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલ, શેરખાન પઠાણ, શકીલ અકુજી, સુલેમાન પટેલ, અક્ષયસિંહ રાજ, મુકેન્દ્રસિંહ રાજ, ઇમરાજ રાજ, સુરેશ પરમાર સહિતના અગ્રણી નેતાઓ અને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકસાથે મળીને દિવંગત નેતાને યાદ કર્યા અને તેમના આદર્શો પર ચાલવાનો સંકલ્પ લીધો હતો.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com