Geo Gujarat News

આમોદ: પાલિકાના પાપે ખુલ્લી ગટરમાં ગૌમાતા ખાબકતા ભારે રોષ, જહેમત બાદ રેસ્ક્યૂ કરાયું.

આમોદ ખાતે પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છેમ જ્યાં ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આમોદના બહુચરાજી મંદિર વિસ્તાર પાસે એક ગાય ફરતી હતી. આસપાસની ગંદકી અને લાંબા સમયથી ખુલ્લી રહેલી ગટરને કારણે ગાય અચાનક ગટરમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો તેમજ પશુપાલકો અને રબારી સમાજના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલે પાલિકા તંત્રને જાણ કરવામાં આવતા, પાલિકા દ્વારા જેસીબીની મદદ લેવામાં આવી હતી. ગાયને બહાર કાઢવા માટે જેસીબીની મદદથી ગટરને વધુ પહોળી કરવામાં આવી હતી. સ્થાનિકો અને પશુપાલકોના સાથ સહકારથી ગાયને દોરડું બાંધી ભારે જહેમત બાદ હેમખેમ સુરક્ષિત રીતે ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી.

આ ઘટનાથી આમોદ નગરપાલિકાના શાસકોની બેદરકારી ફરી એકવાર છતી થઈ છે. સ્થાનિકોમાં પાલિકા તંત્રની લાપરવાહી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક રહીશ ત્રિભોવન સોલંકીએ પાલિકાની બેદરકારી પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા બહુચરાજી મંદિર વિસ્તાર પાસે ઘણા સમયથી ખુલ્લી ગટર આવેલી છે. આ બાબતે અમે પાલિકા તંત્રને વારંવાર ખુલ્લી ગટર બંધ કરવા માટે રજૂઆતો કરી હોવા છતાં પાલિકા શાસકોએ કોઈ ધ્યાન આપ્યું નહોતું, જેના પાપે આજ રોજ ગૌમાતા ગટરમાં ખાબકી. અહીં મંદિરની આસપાસ અમારા નાના બાળકો પણ રમે છે. જો નાના બાળકો પણ ખુલ્લી ગટરમાં પડે અને જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ? તો બીજી તરફ, આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર હિતેશ અસારીએ આ મામલે સ્પષ્ટતા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હોવાની અમને જાણ થતાં જ અમે જેસીબીની મદદથી અને સ્થાનિક લોકોના સહકારથી ગાયને સુરક્ષિત બહાર કાઢી લીધી હતી. નગરજનોની માગ છે કે પાલિકા શાસકો સત્વરે જાગૃત થઈને તમામ ખુલ્લી ગટરોને ઢાંકી દે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કાયમી ઉકેલ લાવે.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.