શોભાયાત્રામાં અઘોરી બાબાનું તાંડવ આકર્ષણનું કેન્દ્ર; લોક ડાયરામાં નરેન્દ્ર સોલંકી, પ્રકાશરાજ વડાલીયાની રમઝટ
ભરૂચ,
ભરૂચના અયોધ્યાનગર વિસ્તારમાં ફિલ્ટરેશન પ્લાન્ટ સામે આવેલા શ્રી સંતોષી માતા મંદિરે શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય ‘પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ’ નું તા. ૧ ડિસેમ્બર, સોમવારના રોજ સફળતાપૂર્વક સમાપન થયું હતું. આ ચાર દિવસીય ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવની શરૂઆત તા. ૨૮ નવેમ્બર, શુક્રવારથી થઈ હતી.
મહોત્સવનો પ્રારંભ તા. ૨૮મી નવેમ્બરના રોજ સાંજે ભવ્ય શોભાયાત્રા સાથે થયો હતો, જેમાં અઘોરી બાબા તાંડવે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. ત્યારબાદ તા. ૨૯મી નવેમ્બર, શનિવારના રોજ સવારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ધાર્મિક વિધિઓની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. તા. ૨૯મી નવેમ્બરની રાત્રે તવરાના પ્રખ્યાત VR સાઉન્ડના લોકપ્રિય કલાકારો નરેન્દ્ર સોલંકી, પ્રકાશરાજ વડાલીયા અને ઉષાબેન જાદવે લોક ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં અંકલેશ્વર હાંસોટના રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને તેમના શિષ્ય આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રિયાંશુ મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જ્યારે તા. ૩૦મી નવેમ્બર, રવિવારની રાત્રે ભક્તોએ વેશભૂષા સાથે આવેલા શ્રી જય અંબે, જય બહુચર આનંદ ગરબા મંડળ (મિયાંગામ)ના ગરબાનો લાભ લીધો હતો.
મહોત્સવની પૂર્ણાહુતિ તા. ૧ ડિસેમ્બરના રોજ સાંજે પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિની વિધિ સાથે સંપન્ન થઈ હતી, જેમાં પ્રખ્યાત રામ કથાકાર ત્રિલોચના દેવીએ પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા. આ પવિત્ર પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભૂતપૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિતના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.