Geo Gujarat News

વાગરા: વિલાયતમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય લોકાર્પણ, રમતગમતની નવી ઈનિંગ્સ શરૂ, યુવાનોમાં ખુશીનો માહોલ!

વાગરા તાલુકાના વિલાયત ગામમાં ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખુશીના સમાચાર છે. ગામની યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને રમત-ગમતની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં ગામના આગેવાનો, પદાધિકારીઓ અને આસપાસના વિસ્તારના ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદઘાટન સમારોહમાં વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ શેહનાજ બેન હશન અલી અને માજી સરપંચ હશન અલી બાપુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમની સાથે ઇરફાન ભાઈ તલાટી, તાલુકા પંચાયતના સદસ્ય જીતેશભાઈ પટેલ અને માજી સરપંચ રાજુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.આ ઉપરાંત આસપાસના ગામોના સરપંચો, વડીલો અને મોટી સંખ્યામાં યુવાનો તથા ક્રિકેટના ચાહકોએ ઉત્સાહભેર હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ ગામના યુવાનોને એક વ્યવસ્થિત અને ઉત્તમ રમતનું મેદાન પૂરું પાડવાના ઉમદા હેતુથી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, આ મેદાન માત્ર ક્રિકેટ માટે જ નહીં પરંતુ ગામના યુવાનોને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થશે.આ પ્રસંગે સરપંચ શેહનાજ બેન હશન અલીએ આશા વ્યક્ત કરી હતી કે, આ ગ્રાઉન્ડમાંથી ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટરો તૈયાર થશે. જે વિલાયત ગામનું નામ રોશન કરશે. માજી સરપંચ હશન અલી બાપુએ રમત-ગમત પ્રત્યે યુવાનોને પ્રોત્સાહિત કરવા બદલ ગ્રામ પંચાયતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. નવા ગ્રાઉન્ડના ઉદઘાટનથી સ્થાનિક ક્રિકેટ ટીમો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે તેમને પ્રેક્ટિસ અને ટુર્નામેન્ટ્સ માટે એક સુવિધાયુક્ત મેદાન મળ્યું છે. આ પ્રસંગે ઉદઘાટન બાદ એક મૈત્રીપૂર્ણ ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટ રસિકોએ ભરપૂર આનંદ લીધો હતો. આ ક્રિકેટ ગ્રાઉન્ડ વિલાયત ગામમાં રમત-ગમતના નવા યુગની શરૂઆતનું પ્રતીક છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.