ભરૂચ જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે ઓપરેશન કારાવાસ અંતર્ગત કાર્યવાહી કરીને વડોદરા મધ્યસ્થ જેલમાંથી છેલ્લા આઠ મહિનાથી ફરાર થયેલા પાકા કામના કેદીને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેદી હારૂન સાજીદ મુલતાની ભરણપોષણના ગુનામાં સજા પામ્યો હતો અને વડોદરા મધ્યસ્થ જેલમાં હતો. તે જેલમાંથી ફર્લો રજા લઈને નીકળ્યો હતો. પરંતુ રજા પૂરી થયા બાદ તે છેલ્લા આઠ માસથી ફરાર હતો અને જેલમાં પરત ફર્યો ન હોતો. ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ જિલ્લામાંથી પેરોલ કે ફર્લો જમ્પ કરનાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન પ્રયાસો કરી રહી હતી. આ દરમિયાન સ્ક્વોડને બાતમી મળી હતી કે ફરાર કેદી હારૂન મુલતાની હાલમાં અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે આવેલ છે.
બાતમીના આધારે ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તાત્કાલિક દરોડા પાડીને આરોપી હારૂન સાજીદ મુલતાનીની ધરપકડ કરી હતી. પોલીસે ફરાર કેદીને ઝડપી પાડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેને ફરીથી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ સફળ ઓપરેશનથી ફરાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો પોલીસનો નિર્ધાર સ્પષ્ટ થયો છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com