આમોદ તાલુકાના બોડકા ગામ પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક અને એસ.ટી. બસ વચ્ચે થયેલી ટક્કરમાં ૪ થી ૫ મુસાફરો લોહીલુહાણ થયા હતા. આ ગમખ્વાર અકસ્માત પાછળનું કારણ ટ્રકનું ટાયર ફાટવું હોવાનું સામે આવ્યું છે. ટાયર ફાટતા જ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના પરિણામે ટ્રક સામેથી આવી રહેલી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર મુસાફરોની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા.
અત્રે રાહતની વાત એ છે કે તમામ ઇજાગ્રસ્તો હાલ ભયમુક્ત છે. અકસ્માતની ગંભીરતા જોતા સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે હોસ્પિટલના તબીબો અને પોલીસ વહીવટીતંત્ર સાથે વાતચીત કરી ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટેની સૂચનાઓ આપી હતી. આમોદ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતને કારણે ખોરવાયેલા વાહનવ્યવહારને પુનઃ કાર્યરત કરાવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. હાઈવે પર બનેલી આ ઘટનાએ ફરી એકવાર વાહનોની જાળવણી અને સુરક્ષા અંગે ચર્ચાઓ જગાવી છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com