Geo Gujarat News

વાગરા-પહાજ માર્ગ પર રેલવે પ્રશાસનની ઘોર બેદરકારી!, ફાટક ખુલ્લું હોવા છતાં ટ્રેન પસાર થઈ, મોટી દુર્ઘટના ટળી, વિડીયો વાયરલ


જાગૃત નાગરિકો દેવદૂત બન્યા, નહીંતર વાગરામાં લોહીની નદીઓ વહી હોત! : રેલવે તંત્રની ગંભીર બેદરકારીને કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હોવાની ચોંકાવનારી ઘટના વાગરાથી પહાજ તરફ જતા માર્ગ પર સામે આવી છે. અહીં સ્થિત રેલવે ફાટક પર ગતરોજ 11:30 કલાકે જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે ફાટકના બંને બેરીયર ખુલ્લા હાલતમાં જોવા મળ્યા હતા. સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને જે પ્રકારે આ ઘટના બની છે, તેણે રેલવે સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કર્યા છે. સદનસીબે જે સમયે ટ્રેન ફાટક પરથી પસાર થઈ રહી હતી. તે જ ક્ષણે કોઈ વાહન રેલવે ટ્રેક પર ન હોવાથી એક મોટી જાનહાનિ અને ભયાનક દુર્ઘટના ટળી ગઈ હતી. આ જીવલેણ પરિસ્થિતિમાં કેટલાક જાગૃત નાગરિકોએ સમયસૂચકતા દાખવીને બંને તરફથી આવતા વાહનોને રોકી દીધા હતા. જેના કારણે અનેક પરિવારોના માળા વિખેરાતા બચી ગયા હતા. જો નાગરિકો સમયસર સક્રિય ન થયા હોત, તો આ સ્થળ કદાચ સ્મશાનમાં ફેરવાઈ ગયું હોત.ફાટકમેનની ઊંઘ કે ટેકનિકલ ખામી? લોખંડી તેજ ગતિએ પસાર થતી ટ્રેન વચ્ચે નિર્દોષોના જીવ જોખમમાં. : હવે સવાલ એ ઉભો થાય છે કે, આટલી ગંભીર લાપરવાહી પાછળ કોણ જવાબદાર છે? શું આ કોઈ ટેકનિકલ ખામી હતી કે, પછી ફરજ પરના ફાટકમેનની ગુનાહિત બેદરકારી? રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુરક્ષાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે. પરંતુ વાગરાની આ ઘટનાએ તે દાવાઓની પોકળતા સાબિત કરી દીધી છે. જોકે આ ઘટના બાદ રેલવેના કર્મીએ જણાવ્યું હતું, કે બેરીયરમાં ટેક્નિકલ ખામી હોવાને કારણે અમે નીચેની સાઈડમાં ચેન લગાવેલ હતી. જોકે આ ઘટનાનો વિડીયો ઝડપથી વાયરલ થયો હતો. જે બાદ અનેક સવાલો ઉદ્દભવ્યા હતા. આ ઘટના બાદ જાણવા મળ્યું હતું કે, બેરીયરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી સુરક્ષાના ભાગરૂપે નીચેની તરફ ચેન લગાવવામાં આવી હતી. જોકે, આ ખુલાસો લોકોના ગળે ઉતરે તેમ નથી, કારણ કે હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર માત્ર સાંકળ બાંધીને આટલી મોટી ટ્રેન પસાર કરવી એ સુરક્ષાના માપદંડો સાથે ગંભીર ખિલવાડ સમાન છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ટેક્નિકલ ખામી હોય તો પણ ટ્રેનને સિગ્નલ આપીને કેમ ઉભી ન રાખવામાં આવી અને કેમ કોઈ ચોક્કસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં ન આવી? તેવા તીખા સવાલો જનતા કરી રહી છે. માત્ર એક પાતળી ચેનના ભરોસે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકતી આ નીતિ સામે રેલવે પ્રશાસન પર માછલાં ધોવાઈ રહ્યાં છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.