Geo Gujarat News

વાગરા: સુપરફોર્મ કંપનીના પાપે ખેતી પાયમાલ! પ્રદૂષિત પાણીથી પાક બળી જતાં પીડિત ખેડૂત પરિવારના કંપની ગેટ પર ધરણા

​વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી સુપરફોર્મ કંપની (અગાઉની UPL-12) દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીને કારણે ખેતીલાયક જમીન બંજર બની રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે ખેડૂતોએ કંપનીના મુખ્ય ગેટ પર હલ્લાબોલ કરી ધરણા યોજ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે કંપનીના ઉદ્યોગજન્ય પાણીને કારણે ખેતરોમાં ઉભો પાક બળીને ખાખ થઈ રહ્યો છે, જેનાથી તેમની રોજીરોટી છીનવાઈ રહી છે. ​પીડિત ખેડૂત રાયજીભાઈ ધીરમભાઈ પરમારે મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 4-5 વર્ષથી ન્યાય માટે મામલતદારથી લઈને જિલ્લા વહીવટી તંત્ર, CMO અને PMO સુધી લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે. જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિમાં પણ આ મુદ્દો ગાજ્યો હોવા છતાં, આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વહીવટી તંત્રની આ નિંભરતા સામે અંતે કંટાળીને આજે ખેડૂત પોતાના પરિવાર સાથે કંપનીના દ્વારે ન્યાયની માંગ સાથે બેસી ગયા હતા.​નોંધનીય છે કે, આ પ્રદૂષણ મામલે અગાઉ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કંપનીને નોટિસ અને સૂચનાઓ આપવામાં આવી હતી, છતાં કંપની દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે આ કૃત્ય પર્યાવરણ સુરક્ષા અધિનિયમ અને NGTના નિર્દેશોની ખુલ્લેઆમ અવજ્ઞા છે. સ્થાનિક ગ્રામજનોના સમર્થન સાથે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક અસરથી નુકસાનીનું વળતર નહીં અપાય અને જવાબદારો સામે કડક પગલાં નહીં લેવાય, તો આગામી સમયમાં ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.