વાગરામાં સાયબર માફિયા બેફામ, 50 દિવસમાં 30 લોકોના ખિસ્સા ખંખેર્યા : વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા માત્ર 50 દિવસના ટૂંકા ગાળામાં સાયબર ઠગોએ 30 નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી કુલ 6,51,962 રૂપિયાની રકમ ખંખેરી લીધી છે. આ આંકડા પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદોના આધારે સામે આવ્યા છે. જે દર્શાવે છે કે ટેકનોલોજીના યુગમાં સામાન્ય જનતા કેટલી અસુરક્ષિત બની રહી છે. આંકડાકીય વિગતો મુજબ, ગત નવેમ્બર માસમાં ફ્રોડની 17 ફરિયાદોમાં 2.20 લાખથી વધુ રકમની ઠગાઈ થઈ હતી. જેમાંથી પોલીસે સક્રિયતા દાખવી 74,517 રૂપિયા હોલ્ડ કરાવ્યા હતા. જ્યારે ચાલુ ડિસેમ્બર માસમાં માત્ર 20 દિવસમાં જ 13 નવી ફરિયાદો નોંધાઈ છે. જેમાં ઠગોએ 4.31 લાખ રૂપિયા પડાવી લીધા છે. જે પૈકી 1.25 લાખ રૂપિયાની રકમ હોલ્ડ કરવામાં પોલીસને સફળતા મળી છે. આમ વાગરામાં દિવસેને દિવસે આર્થિક છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે.
ભરૂચ પોલીસનું ઓપરેશન મ્યુલ હંટ, સાયબર ફ્રોડના કેસમાં 9 શખ્સો જેલ ભેગા : તો બીજી તરફ સાયબર ગુનેગારોને પાંજરે પૂરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ક્રાઈમ આચરતી ટોળકીઓ પર ત્રાટકીને અત્યાર સુધીમાં કુલ ચાર ગુના દાખલ કરવામાં આવ્યા છે. અને નવ જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી સાયબર માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વધતા જતા સાયબર અપરાધોને જોતા વાગરા પોલીસ દ્વારા જનતાને અત્યંત સાવધ રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
પોલીસે નાગરિકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, કોઈપણ અજાણી મોબાઈલ એપ ડાઉનલોડ કરવી નહીં, લોભામણી લોન ઓફરની જાળમાં ફસાવું નહીં કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવતી લાલચો પર ભરોસો કરવો નહીં. જો કોઈ વ્યક્તિ સાથે નાણાકીય છેતરપિંડી થાય અથવા કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય, તો સમય બગાડ્યા વિના તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર પર જાણ કરવા જણાવાયું છે.
ડિજિટલ દુનિયાની અદ્રશ્ય જાળ: સાયબર ફ્રોડની પદ્ધતિઓ અને બચવાના અચૂક ઉપાયો : આજના સમયમાં સાયબર ઠગો નવી-નવી તરકીબો અજમાવી રહ્યા છે. મુખ્યત્વે સાયબર ફ્રોડ KYC અપડેટ કરવાના બહાને, બેંક અધિકારી બનીને કરવામાં આવતા ફોન કોલ્સ, અથવા લોભામણી ઈન્સ્ટન્ટ લોન એપ્સ દ્વારા થાય છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવીને નાણાંની માંગણી કરવી, ઓનલાઇન શોપિંગમાં ભારે ડિસ્કાઉન્ટની લિંક મોકલીને કાર્ડની વિગતો ચોરવી, અને વર્ક ફ્રોમ હોમના નામે રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપવી એ સૌથી સામાન્ય પદ્ધતિઓ છે. ઠગો ઘણીવાર તમારી અંગત માહિતી મેળવવા માટે તમારા મોબાઈલ પર OTP માંગે છે. અથવા શંકાસ્પદ લિંક પર ક્લિક કરાવીને તમારો ફોન હેક કરી લેતા હોય છે. આવી છેતરપિંડીથી બચવા માટે કેટલીક પાયાની તકેદારી રાખવી અનિવાર્ય છે. સૌથી પહેલાં, ક્યારેય પણ કોઈ અજાણી વ્યક્તિ સાથે તમારો OTP, પિન કે પાસવર્ડ શેર ન કરવો, કારણ કે કોઈ પણ બેંક કે સરકારી સંસ્થા આવી વિગતો માંગતી નથી. અજાણી લિંક્સ કે મેસેજ દ્વારા આવતી એપ ડાઉનલોડ કરવાનું ટાળવું અને હંમેશા અધિકૃત પ્લે-સ્ટોરનો જ ઉપયોગ કરવો. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન એક્ટિવ રાખવું જેથી સુરક્ષા વધુ મજબૂત બને. જો તમારી સાથે નાણાકીય છેતરપિંડી થાય તો તરત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી. અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. યાદ રાખો તમારી જાગૃતિ જ સાયબર અપરાધીઓ સામેનું સૌથી મોટું શસ્ત્ર છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com