કહેવાય છે કે સખત પરિશ્રમ અને મક્કમ સંકલ્પ જ્યારે એકરૂપ થાય છે. ત્યારે સફળતા પોતે રસ્તો કરી દે છે. વાગરા તાલુકાના ગલેન્ડા ગામના મૂળ વતની અને શિનોર ખાતે સસ્તા અનાજની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ઐયુબભાઈ કાઝીની સુપુત્રી તબસ્સુમ કાઝીએ શિક્ષણ જગતમાં અદ્રશ્ય સિદ્ધિ હાંસલ કરી સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. મધ્યમ વર્ગીય પરિવેશમાં ઉછરેલી અને પિતાના પ્રોત્સાહનથી સતત આગળ વધતી તબસ્સુમે ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં PHD ની સર્વોચ્ચ ઉપાધિ પ્રાપ્ત કરી છે. ડૉ. તબસ્સુમ કાઝીએ જનકલ્યાણના પાયા સમાન વિષય PDS પર પોતાનો સંશોધનાત્મક મહાનિબંધ તૈયાર કર્યો હતો. ડૉ.માલા શર્માના કુશળ માર્ગદર્શન અને ડૉ.સંજયભાઈ પરદેશીના હકારાત્મક પ્રોત્સાહન સાથે તૈયાર થયેલા આ ઉમદા કાર્યને યુનિવર્સિટી દ્વારા બિરદાવવામાં આવ્યું છે. સૌથી ગૌરવની વાત એ છે કે, જે વિષય (સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થા) સાથે તેમના પિતા વર્ષોથી જોડાયેલા છે. તે જ વિષય પર સંશોધન કરી તબસ્સુમે શૈક્ષણિક જગતની ટોચ સર કરી છે. તેમની આ સુવર્ણ સફળતાથી ગલેન્ડા અને શિનોર પંથકમાં આનંદની લહેર ફેલાઈ છે અને સાચા અર્થમાં તેઓ અન્ય દીકરીઓ માટે પ્રેરણાનું મશાલ બન્યા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com