રમતગમત પ્રત્યેના અદમ્ય ઉત્સાહ અને ખેલદિલીના વાતાવરણ વચ્ચે વાગરા તાલુકાનું ઓછણ ગામ આજે ક્રિકેટના રંગે રંગાયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી પ્રતિષ્ઠિત ઓછણ પ્રીમિયર લીગની ફાઈનલ મેચમાં આજે રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો. ટાઈટલ જીતવા માટે મેદાનમાં ઉતરેલી ઓછણ ચેલેન્જર અને ઓછણ વોરિયર વચ્ચે જબરદસ્ત મુકાબલો જામ્યો હતો. જેમાં શાનદાર પ્રદર્શન કરી ઓછણ ચેલેન્જરની ટીમે જીતનો તાજ પહેર્યો હતો. આ ટુર્નામેન્ટને નિહાળવા માટે ઓછણ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા, જેનાથી મેદાનમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.
ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ પટેલ ઈમ્તિયાઝ, સામાજિક અગ્રણી જાબીર પટેલ, ઇમરાન રાજ, વસીમભાઈ શહેરી સહિતના અનેક મહાનુભાવોએ ખાસ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મહેમાનોએ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા અને જણાવ્યું હતું કે, આવી ગ્રામીણ ટુર્નામેન્ટો સ્થાનિક પ્રતિભાઓને નિખારવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. આ આયોજનની સફળતા બદલ આયોજક સમિતિ અને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ ટુર્નામેન્ટ માત્ર રમત જ નહીં, પરંતુ ભાઈચારા અને ખેલદિલીના સંદેશ સાથે સંપન્ન થઈ છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com