સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અતિ મહત્વના ગણાતા નેશનલ હાઈવે-64 ની બિસ્માર હાલત મામલે આખરે તંત્ર જાગ્યું છે. આમોદ ચોકડી પાસેથી પસાર થતા આ માર્ગ પર પડેલા મોટા ખાડા અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા. આ પ્રશ્ને બે દિવસ અગાઉ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની સીધી અસર હવે જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા તંત્ર અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરી જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાના મુદ્દે આંદોલનાત્મક વલણ અપનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પણ ખુલ્લો પડકાર ફેંકાયો હતો.
વિરોધ પક્ષના આ આક્રમક તેવર અને જાહેર જનતાના વધતા દબાણને વશ થઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે તાત્કાલિક ધોરણે હાઈવે પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ખાડા પૂરવાની અને ધૂળનું પ્રમાણ ઘટાડવાની કામગીરી શરૂ થતા રાહદારીઓએ આંશિક રાહત અનુભવી છે.
આ સફળતા અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે, જો જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રએ સમયસર લોકોની પીડા સમજી હોત, તો જનતાને આટલા દિવસો સુધી પરેશાન થવું પડ્યું ન હોત. બીજી તરફ, સ્થાનિક નાગરિકોમાં એવી માંગ પ્રબળ બની છે કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી સીમિત ન રહેતા, કાયમી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે. લોકો આશા રાખી રહ્યા છે કે નેશનલ હાઈવે-64નું મજબૂત સમારકામ થાય જેથી ભવિષ્યમાં ફરીથી અકસ્માત કે સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઊભા ન થાય.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023