ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ પંથકની જીવાદોરી સમાન નેશનલ હાઈવે-64 પર પ્રતીક્ષિત સુધારાનો પવન ફૂંકાયો છે. લાંબા સમયથી જર્જરિત અને જોખમી બનેલા ઢાઢર નદીના મેજર બ્રિજના પુનઃનિર્માણ અને મરામત માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 19.19 કરોડના પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.આ સાથે જ ભરૂચ નેશનલ હાઈવે વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાતા જંબુસર-આમોદ પંથકના વાહનચાલકો અને વેપારી આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વર્ષોથી આ બ્રિજ અત્યંત જર્જરિત હોવાને કારણે અહીંથી ભારે માલવાહક વાહનો પસાર થવા પર પ્રતિબંધ હતો, જેની સીધી અસર સ્થાનિક ઉદ્યોગો અને અર્થતંત્ર પર પડી રહી હતી. જનતાની આ પીડાને વાચા આપવા માટે સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાએ કેન્દ્ર સરકારમાં અસરકારક અને સઘન રજૂઆતો કરી હતી.
આ રજૂઆતોના ફળસ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપી મંજૂરીની મહોર મારવામાં આવી છે.ઢાઢર નદીનો બ્રિજ લાંબા સમયથી જર્જરિત હોવાને કારણે વાહનચાલકો અને ઉદ્યોગો માટે મુશ્કેલીનું કારણ બન્યો હતો. જોકે, ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાની સતત રજૂઆતોને પગલે કેન્દ્ર સરકારે આ બ્રિજના રિકન્સ્ટ્રક્શન માટે 19.19 કરોડની મંજૂરી આપી છે.

ટેન્ડર પ્રક્રિયા શરૂ થતા હવે આ પુલનું આધુનિક અને મજબૂત નિર્માણ હાથ ધરાશે, જેનાથી ભારે વાહનોના અવરજવર પરના પ્રતિબંધનો અંત આવશે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં જંબુસર અને આમોદ પંથકની સુરક્ષિત મુસાફરી અને આર્થિક પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટ માત્ર ઈંટ-પથ્થરનું બાંધકામ નહીં, પરંતુ આ પંથકની સુખાકારી અને સુરક્ષાનો સેતુ બનશે.

ધારાસભ્ય ડી.કે. સ્વામીએ આ પ્રોજેક્ટને સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવાની કટિબદ્ધતા દર્શાવતા ઉચ્ચ નેતૃત્વનો આભાર માન્યો હતો. આ બ્રિજનું નિર્માણ થતાં જ ભારે વાહનોને પડતા લાંબા ચકરાવામાંથી મુક્તિ મળશે અને જંબુસર-આમોદ વચ્ચેનો વાહનવ્યવહાર ફરી એકવાર સંપૂર્ણ ક્ષમતા સાથે ધમધમતો થશે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023