આમોદ નગરપાલિકાની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. પાલિકા કચેરીની બિલકુલ સામે જ છેલ્લા કેટલાય સમયથી એક વિશાળ અને જોખમી ભુવો મોઢું ફાડીને ઊભો છે, જે જાણે કોઈ મોટી જાનહાનીની રાહ જોઈ રહ્યો હોય તેમ જણાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે ભુવામાં અનેક વાહનચાલકો ખાબક્યા છે અને અનેક વૃદ્ધો તથા મહિલાઓ ઈજાગ્રસ્ત થયા છે.તે ભુવો પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની નજરે કેમ ચડતો નથી? સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અગાઉ ગુજરાત મેડિકલ દ્વારા સ્વખર્ચે આ ખાડો પુરવામાં આવ્યો હતો, પરંતુ નબળી કામગીરીને કારણે તે ફરી તૂટી ગયો છે. વારંવારની મૌખિક અને લેખિત રજૂઆતો છતાં ચીફ ઓફિસર પંકજ નાયક અને પાલિકાના તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, જેને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માત્ર ભુવો જ નહીં પરંતુ આમોદની શાન ગણાતું ઐતિહાસિક ટાવર પણ હાલમાં અત્યંત જર્જરિત અવસ્થામાં છે. આ ટાવરના પડતા કાટમાળને કારણે ભૂતકાળમાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવા છતાં પાલિકા પ્રશાસન કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાય છે. લોકચર્ચા મુજબ અધિકારીઓને જનતાની સુખાકારી કરતાં કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં વધુ રસ છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે તો સત્તાધારી પક્ષના સભ્યો પણ તંત્રની બેદરકારી સામે અવાજ ઉઠાવી રહ્યા છે. નગરજનો હવે એક જ સવાલ પૂછી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે લાશ પડવાની રાહ જોઈ રહ્યું છે? જો આગામી દિવસોમાં આ ભુવા કે ટાવરને કારણે કોઈ જાનહાની થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રની રહેશે તેવી ચીમકી લોકોએ ઉચ્ચારી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023