એસટી અમારી સલામત સવારીનો નારો આમોદ તાલુકાની જનતા માટે આજે માત્ર એક ક્રૂર મજાક બની ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. એકતરફ દેશને નંબર વન બનાવવાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આમોદથી ભરૂચ જતી બસોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ દરરોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવી પડે છે. જંબુસરથી ખીચોખીચ ભરાઈને આવતી બસોમાં આમોદના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વૃદ્ધોને બસના દરવાજે લટકીને ૪૦ કિલોમીટર સુધી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.
આ દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને માસૂમ વિદ્યાર્થીના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કે આમોદ તાલુકાએ પંચાયતથી લઈને ધારાસભા સુધીની તમામ સત્તા ભાજપને સોંપી છે. પરંતુ બદલામાં જનતાને મળ્યા છે માત્ર તૂટેલા રસ્તા અને મોતને આમંત્રણ આપતી ભરચક બસો. લેડીઝ કંડક્ટરની હાજરીમાં પણ મહિલાઓએ ધક્કામુક્કી સહન કરવી પડે છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દરવાજે લટકીને પરીક્ષા આપવા કે કોલેજ જવા મજબૂર બન્યા છે.
તંત્રનો આવો નિર્દય અભિગમ સાબિત કરે છે કે આમોદની જનતા માટે વ્યવસ્થા કરવાને બદલે સત્તાધીશો માત્ર વોટબેંકના રાજકારણમાં જ મશગૂલ છે. તંત્રને આખરી ચેતવણી છે કે હવે જાગો, નહીંતર માઠા પરિણામો ભોગવવા તૈયાર રહો. શું કોઈનો જીવ જશે ત્યારે જ એસટી નિગમ વધારાની બસો ફાળવશે? વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી? આ સળગતા સવાલો આજે દરેક આમોદવાસી પૂછી રહ્યા છે.જો તાત્કાલિક ધોરણે આમોદ-ભરૂચ રૂટ પર વધારાની એસટી બસો દોડાવવામાં નહીં આવે અને સમયપત્રકમાં સુધારો કરવામાં નહીં આવે, તો આ આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તંત્રએ હવે આ જોખમી જુગાડ બંધ કરી જનતાને સલામત મુસાફરીની ખાતરી આપવી જ પડશે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023