આમોદ શહેરની શાન અને ગૌરવ સમાન ગણાતો ટાવર હાલ અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ ઐતિહાસિક ટાવરના પ્લાસ્ટરના પોપડા સમયાંતરે ખરી રહ્યા છે, જેના કારણે નીચે વેપાર કરતા શાકભાજી વિક્રેતાઓ અને રાહદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં જ ટાવરનો કાટમાળ પડવાથી એક વેપારીને ઈજાઓ પહોંચી હતી, જેને પગલે પાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી વેપારીઓને ત્યાંથી હટાવવાની કામગીરી કરી હતી.

જોકે, આ જોખમી ટાવરનું કાયમી સમારકામ કરવાને બદલે પાલિકાએ માત્ર એક નોટિસ બોર્ડ મારીને પોતાની જવાબદારી પૂર્ણ કરી લીધી હોય તેમ જણાય છે. પાલિકા દ્વારા મારવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, કોઈપણ વ્યક્તિએ જર્જરિત ટાવર નીચે લારી-ગલ્લા કે પથરા રાખીને બેસવું નહીં, જો કોઈ હોનારત થશે તો તેની અંગત જવાબદારી રહેશે. પાલિકાના આ વલણથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ટાવર ચોક એ આમોદનું હાર્દ ગણાય છે, જ્યાં સવાર-સાંજ નગરજનો સહિત આસપાસના ગામડાના લોકોની મોટી ભીડ જામતી હોય છે. અત્યંત વ્યસ્ત રહેતા આ વિસ્તારમાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ? તેવો ગંભીર પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. સ્થાનિક રહીશો અને વેપારીઓની માંગ છે કે પાલિકા તંત્ર માત્ર નોટિસો આપીને હાથ ખંખેરવાને બદલે વહેલી તકે આ ગૌરવશાળી ટાવરનું મજબૂતીકરણ અથવા સમારકામ કરે, જેથી કોઈ મોટી જાનહાનિ થતી અટકાવી શકાય. તંત્રની આ નિષ્ક્રિયતા સામે હવે જનતામાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023