ઉત્તરાયણ પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નિર્દોષ પક્ષીઓ અને માનવ જિંદગી માટે ઘાતક સાબિત થતી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે ભરૂચ પોલીસે લાલ આંખ કરી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ એક ચોક્કસ બાતમીના આધારે આમોદ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે રાખવામાં આવેલ ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસની આ કડક કાર્યવાહીથી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આમોદના પુરસા રોડ પર આવેલી નવી નગરીમાં રહેતો મુકેશ દેવીપૂજક નામનો શખ્સ પોતાના ઘરે મીણીયા થેલામાં છુપાવીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે દરોડો પાડી તપાસ કરતા સ્થળ પરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કુલ ૩૪ નંગ બોબીન મળી આવ્યા હતા. પોલીસે અંદાજે ૨૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે. આ મામલે આમોદ પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રતિબંધ છતાં નફાખોરીના આશયથી લોકોના જીવ જોખમમાં મૂકતા વેપારીઓ સામે ભરૂચ પોલીસ આગામી દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રાખશે તેવા સંકેતો આપ્યા છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023