વાગરા તાલુકાના અલાદર ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી કરનારા તત્વો સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. ભરૂચ SDM મનીષા મનાની અને તેમની ટીમે અલાદર ગામે ઓચિંતું ચેકિંગ હાથ ધરતા મોટા પાયે માટી ખનનનું કૌભાંડ ઝડપાયું હતું. સ્થળ પર તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે લીઝ ધારક પાસે માત્ર ૧૦ હજાર મેટ્રિક ટન માટીની મંજૂરી હોવા છતાં ભુમાફિયાઓએ પાતાળ સુધી એટલે કે જમીનમાંથી પાણી નીકળે ત્યાં સુધી આડેધડ ખોદકામ કરી નાખ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન તંત્રએ સ્થળ પરથી બે મશીન અને છ ડમ્પર મળી કુલ ૨ કરોડ ૮૦ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ઉપરાંત પકડાયેલા ૬ હાઈવા પૈકી ૪ હાઈવામાં ક્ષમતા કરતા વધુ માટી ભરેલી હોવાનું જણાતા તંત્રએ સ્થળ પર જ ૯,૧૫,૬૦૦નો દંડ ફટકારી વસૂલાત કરી હતી.
આ ગેરકાયદે ખનનની સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે, ભુમાફિયાઓએ વહીવટી તંત્રના નિયમોને નેવે મૂકી રાષ્ટ્રીય મિલકત સમાન ONGC ની પાઈપલાઈનો જોખમમાં મૂકી હતી. ઊંડા ખોદકામને કારણે આ પાઈપલાઈનો જમીનની બહાર દેખાઈ આવી હતી. જેને નુકસાન થવાની ભીતિ સેવાતા તાત્કાલિક ઓએનજીસીની ટેકનિકલ ટીમને સ્થળ તપાસ માટે બોલાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની કડક સૂચના બાદ તંત્ર એક્શન મોડમાં આવતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલમાં આ સમગ્ર મામલે ભૂસ્તર વિભાગ દ્વારા વધુ તપાસ અને માપણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી માથાભારે તત્વો સામે કડક કાયદાકીય દાખલો બેસાડી શકાય.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com