Geo Gujarat News

આમોદનું મોટું તળાવ ભ્રષ્ટાચારના વમળમાં, બ્યુટીફિકેશનના કામમાં લોલમલોલના આક્ષેપોથી ખળભળાટ, અધિકારી-કોન્ટ્રાક્ટરની મિલીભગતની આશંકા!!

મોટા તળાવનું બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારની ભેટ ચઢ્યું? : આમોદનગરમાં ચાલી રહેલા મોટા તળાવના બ્યુટીફિકેશનના પ્રોજેક્ટમાં ગંભીર ભ્રષ્ટાચાર અને વહીવટી મિલીભગતના આક્ષેપોએ પંથકમાં ભારે જોર પકડ્યું છે. નગરના જાગૃત નાગરિકો અને અરજદારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને પગલે સરકારી તંત્રના કામકાજની ગુણવત્તા પર અનેક સવાલો ઉભા થયા છે. આક્ષેપ છે કે, પ્રજાના પરસેવાના નાણાંનો સદંતર વેડફાટ કરીને કોન્ટ્રાક્ટરોને આર્થિક ફાયદો પહોંચાડવા માટે હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક જાગૃત નાગરિક કેતન મકવાણાએ તળાવના કામમાં થતી ગેરરીતિઓ બાબતે આમોદ નગરપાલિકા અને સુરત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ કચેરીએ લેખિત રજૂઆતો કરી હતી.અધિકારી-કોન્ટ્રાક્ટરની મિલીભગત? : શરૂઆતમાં સ્થાનિક અધિકારીઓએ આ રજૂઆતોને ગંભીરતાથી લીધી ન હતી, પરંતુ મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચતા અને દબાણ વધતા આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ તંત્રએ કોન્ટ્રાક્ટરને કામગીરીમાં ક્ષતિઓ બદલ નોટિસ ફટકારી હતી. હાલમાં સ્થિતિ એવી છે કે, અગાઉ બેસાડેલા બ્લોકો તોડીને ફરીથી કામ કરવાની ફરજ પડી રહી છે. જે સ્પષ્ટપણે કામની નબળી ગુણવત્તા અને બેદરકારીની સાક્ષી પૂરે છે.

તળાવના કામમાં લોલમલોલ જણાતા જાગૃત નાગરિકની લડત બાદ તંત્રએ ફટકારી નોટિસ : આ સમગ્ર વિવાદ અંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ મીડિયા સમક્ષ મૌન તોડતા જણાવ્યું હતું કે, અરજદારના આક્ષેપો પાયાવિહોણા છે. કોન્ટ્રાક્ટરને હજુ પૂરું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી અને આગામી પાંચ વર્ષ સુધી મેન્ટેનન્સની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની જ રહેશે. જોકે અધિકારીના આ બચાવ સામે અરજદારે વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે, અધિકારી દ્વારા આપવામાં આવેલો ખુલાસો તથ્ય વગરનો છે. અને માત્ર ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો પ્રયાસ છે.

જો કામગીરી નિયમ મુજબ જ હતી, તો પછી બ્લોકો કાઢીને ફરી કામ કરવાની જરૂર કેમ પડી? સ્થાનિક રહીશોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે બ્યુટીફિકેશનના નામે માત્ર સપાટી પરનું કામ ચમકાવવામાં આવી રહ્યું છે. જ્યારે પાયાની કામગીરીમાં મોટા ગાબડાં છે.

પ્રોજેક્ટની શરૂઆતથી જ વિવાદોનું વાવાઝોડું, ફેન્સિંગ અને બ્લોકની કામગીરીમાં ગોબાચારીની લોકબૂમો : આમોદ તળાવના બ્યુટીફિકેશનનો પ્રોજેક્ટ જ્યારથી અમલમાં આવ્યો છે, ત્યારથી જ તે વિવાદોના વમળમાં ફસાયો છે. માત્ર વર્તમાન કામગીરી જ નહીં, પરંતુ અગાઉ થયેલી બ્લોકની કામગીરીમાં પણ મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. એટલું જ નહીં, તળાવની ફરતે લગાવવામાં આવેલી ફેન્સિંગની કામગીરીમાં પણ વ્યાપક ગોબાચારી આચરવામાં આવી હોવાની લોકબૂમો ઉઠી છે. વારંવાર નબળી ગુણવત્તાના કામ અને ભ્રષ્ટાચારની ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક હાથ કામ લેવાને બદલે હંમેશા બચાવની નીતિ અપનાવવામાં આવતા અધિકારીઓની સંડોવણી હોવાની આશંકા વધુ પ્રબળ બની છે.નબળી કામગીરી સામે પ્રજાનો આક્રોશ: આમોદ તળાવના બ્યુટીફિકેશનમાં એક પછી એક છબરડાઓ બહાર આવતા હવે સ્થાનિક નાગરિકોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જનતાનો સ્પષ્ટ આક્ષેપ છે કે પ્રજાના ટેક્સના નાણાંનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારીઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. આ મામલે તટસ્થ અને યોગ્ય તપાસ કરી, જો કોન્ટ્રાક્ટરની ગેરરીતિ સાબિત થાય તો માત્ર નોટિસ આપી સંતોષ માનવાને બદલે તેને ‘બ્લેક લિસ્ટ’ કરી તેની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ લોકલાગણીને માન આપી કોઈ દાખલારૂપ પગલાં ભરે છે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે.

આમોદ તળાવના બ્યુટીફિકેશનમાં ગેરરીતિ કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની લોકમાંગ. : સરકાર દ્વારા નગરના વિકાસ માટે ફાળવવામાં આવેલી કરોડોની ગ્રાન્ટમાં આ પ્રકારે મિલીભગત કરી નબળું કામ કરનારાઓ સામે કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહે છે કે, સુરત RCM અને ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ આ મામલે કોઈ કડક પગલાં ભરે છે કે પછી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની આ જુગલબંધીમાં તપાસની ફાઈલો દબાઈ જશે. એતો આવનારો સમય જ બતાવશે.સરકારી નાણાંની હોળી? આમોદ તળાવના કામમાં અધિકારીઓના બચાવ સામે ઉઠતા સવાલો. : ​આમોદના મોટા તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં જે પ્રકારે છબરડાઓ સામે આવી રહ્યા છે, તે જોતા જનતામાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે શું આ સરકારી નાણાંની હોળી થઈ રહી છે? પ્રોજેક્ટની શરૂઆતથી જ બ્લોક બેસાડવાથી લઈને ફેન્સિંગ સુધીની કામગીરીમાં વ્યાપક ગોબાચારીની લોકબૂમો ઉઠી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જ્યારે જાગૃત નાગરિકો પુરાવા સાથે રજૂઆત કરે છે, ત્યારે જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાને બદલે ‘પાંચ વર્ષનું મેન્ટેનન્સ અને પેમેન્ટ બાકી છે. જેવા લૂલા બચાવ કરી રહ્યા છે. અધિકારીઓના આ પ્રકારના બચાવ સામે અનેક આશંકાઓ જન્મી રહી છે કે શું આ આખું કૌભાંડ ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની છૂપી મિલીભગતથી તો નથી ચાલી રહ્યું ને? જો કામગીરી શુદ્ધ હતી તો પછી નોટિસ આપવાની અને બ્લોકો ફરીથી બેસાડવાની જરૂર કેમ પડી? આવા પ્રશ્નો વચ્ચે હવે પ્રજા આ ભ્રષ્ટાચારના વમળમાં તટસ્થ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહી છે.આમોદ નગરપાલિકાની ઘોર નિષ્ફળતા: રોડ, ગટર અને પાણીના પ્રશ્ને જનતા ત્રાહિમામ, પણ તંત્ર માટે પરિણામ શૂન્ય! : આમોદમાં માત્ર તળાવ જ નહીં, પરંતુ પાયાની સુવિધાઓમાં પણ તંત્રની ઘોર નિષ્ફળતા છતી થઈ રહી છે. શહેરમાં રોડ, ગટર, સફાઈ અને પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાતોને લઈને નાગરિકોમાં વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે, તેમ છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. ઠેર-ઠેર ગંદકીના ગંજ, ઉભરાતી ગટરો અને બિસ્માર રસ્તાઓથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય મળી રહ્યું હોય તેમ જણાય છે. એક તરફ તળાવના બ્યુટીફિકેશનના નામે કરોડોનો ધુમાડો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ નગરના મુખ્ય પ્રશ્નો ઉકેલવામાં પાલિકા તંત્ર સદંતર વામણું પુરવાર થયું છે. શું તંત્ર માત્ર કાગળ પર જ વિકાસના દાવા કરી રહ્યું છે? તેવા આકરા સવાલો હવે આમોદની જનતા પૂછી રહી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.