Geo Gujarat News

વાગરા-વસ્તીખંડાલી રોડમાં વ્યાપક ગેરરીતિ, વિજિલન્સ તપાસની માંગ સાથે આંદોલનની ચીમકી, કોન્ટ્રાક્ટર-અધિકારીઓની મિલીભગત?

વાગરા તાલુકાના માર્ગ નિર્માણ કાર્યમાં વ્યાપક ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે. વાગરા તાલુકાના વસ્તીખંડલી ગામથી વાગરા સુધીના મુખ્ય માર્ગનું નવનિર્માણ માત્ર છ મહિના પૂર્વે જ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ આ રોડની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે. રોડનું પ્રથમ લેયર તૂટી ગયું છે. ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. અને નિયમો મુજબ રોડની બંને બાજુએ પુરાણ પણ કરવામાં આવ્યું નથી. ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇમ્તિયાઝ પટેલે આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની મિલીભગતને કારણે પ્રજાના ટેક્સના પૈસાનું ધોવાણ થઈ રહ્યું છે અને હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.કોંગી નેતાએ વહીવટી તંત્રને આડે હાથ લેતા સવાલ કર્યો છે કે જ્યારે આ રોડનું કામ ચાલતું હતું. ત્યારે એન્જિનિયરો અને સ્થાનિક પદાધિકારીઓ ક્યાં હતા? તેમણે માંગ કરી છે કે આગામી સાત દિવસમાં આ રોડના કામની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જરૂર પડે તો વિજિલન્સ તપાસ કરાવી દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે. અને જો સાત દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે અને રોડનું કામ ફરી શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશો અને યુવાનોને સાથે રાખીને રોડ રોકો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ મામલે હવે તંત્ર કેટલી ગંભીરતાથી તપાસ કરે છે તે જોવું રહ્યું.વાગરા તાલુકામાં માર્ગ નિર્માણના નામે ચાલતી લાલિયાવાડી અને વ્યાપક ભ્રષ્ટાચાર હવે સીમા વટાવી રહ્યો છે. તાલુકામાં નવ નિર્માણ પામેલા રોડ-રસ્તાઓની હાલત જોતા એવું લાગે છે કે સરકારી નાણાંનો રીતસરનો ધુમાડો કરવામાં આવ્યો છે. વાગરા-રહિયાદ માર્ગનું હમણાં જ નવીનીકરણ કરાયું હોવા છતાં તેની હાલત અત્યંત દયનીય બની ગઈ છે, જ્યારે ક્યાંક માર્ગદર્શક બોર્ડ ઉલ્ટા લગાવીને તંત્રની ઘોર બેદરકારીના પ્રદર્શન થઈ રહ્યા છે. હાલમાં ચાલી રહેલા દેરોલ થી વાગરા સુધીના માર્ગના કામમાં પણ ઠેર-ઠેર ગેરરીતિની ગંધ આવી રહી છે, જેમાં રોડની સાઈડમાં નિયમ મુજબ પુરાણ ન કરીને વાહનચાલકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે. આ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી માત્ર કાગળ પર વિકાસ બતાવાઈ રહ્યો છે. હવે પંથકના જાગૃત નાગરિકોમાં એવી ચર્ચા છે કે, જો નિંભર બનેલા અધિકારીઓ કે નેતાઓ પર ભરોસો રાખવાને બદલે જનતા પોતે જ જાગૃત થઈ સ્થળ પર ઊભા રહી ગુણવત્તાયુક્ત કામ કરાવશે, તો જ આ રોડ લાંબો સમય ટકી શકશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.