Geo Gujarat News

આમોદ નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં. ૬૪ ઉપર તૂટેલી ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ

NH-64 પર મોતને આમંત્રણ આપતી તૂટેલી ગટર

આમોદ નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર આવેલી તૂટેલી ગટરો હાલ વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે ગંભીર જોખમરૂપ બની છે. હાઈવે પર અનેક સ્થળોએ ગટરોના ઢાંકણા તૂટેલા તથા ખુલ્લા હોવાથી અકસ્માતની સંભાવના સતત વધતી જઈ રહી છે.

        તૂટેલી ગટરો અને ઉડતી ધૂળે નાગરિકોને પરેશાન કર્યા

તૂટેલી ગટરોના કારણે અનેક વખત ભારદારી વાહનો તેમજ રાહદારીઓ પટકાયા હોવાના બનાવો સામે આવ્યા છે. આવા બનાવોને પગલે સ્થાનિક નાગરિકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે હાઈવે ઉપરથી પસાર થતા વાહનોને કારણે ઉડતી ધૂળના ડમરાઓથી આસપાસના દુકાનદારો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સમારકામના અભાવે મોટી હોનારતનો ભય

નેશનલ હાઈવે ઉપર આવેલી અનેક ગટરોના ઢાંકણા સંપૂર્ણપણે તૂટી ગયા છે. જો સમયસર યોગ્ય સમારકામ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે તેવી ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. આ કારણે તંત્ર દ્વારા વહેલી તકે તૂટેલી ગટરોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અકસ્માતો છતાં નેશનલ હાઈવે ઓથોરિટી મૌન

નેશનલ હાઈવે પાસે આવેલી તૂટેલી ગટરો અને ખાડાઓને કારણે અગાઉ અનેક નિર્દોષ નાગરિકો, વાહનચાલકો તથા રાહદારીઓ ઈજાગ્રસ્ત બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. છતાં નેશનલ હાઈવે ઓથોરિટી જાણે કુંભકર્ણી નિંદ્રામાં હોય તેમ વર્તન કરી રહી હોવાનો આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે. અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલા લેવાયા નથી.

શાળા-દવાખાના વચ્ચે ખુલ્લી ગટરો, જીવના જોખમે અવરજવર

હાઈવેની આસપાસ શાળાઓ, દવાખાના, હોટેલો તેમજ દુકાનો આવેલી છે. ચાર રસ્તા વિસ્તારમાંથી દરરોજ હજારો મુસાફરોની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો તથા રાહદારીઓ ખુલ્લી ગટરો પાસેથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.

વારંવારની દુર્ઘટનાઓ બાદ પણ તંત્ર નિષ્ક્રિય

અગાઉ પણ અનેક વાહનો અને રાહદારીઓ ખુલ્લી ગટરોમાં ખાબકવાના બનાવો બન્યા છે, જેના કારણે વાહનોને મોટાપાયે નુકસાન તેમજ લોકોને ઈજાઓ પહોંચી છે. ત્યારે સ્થાનિક નાગરિકો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી પાસે વહેલી તકે તૂટેલી ગટરોનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.