આમોદ તાલુકાના કોલવણા ગામે એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. ગામની કેનાલમાં માત્ર ઘૂંટણ સમા પાણીમાં ડૂબી જવાથી 39 વર્ષીય સુરેશભાઈ રામુભાઈ રાઠોડ નામના યુવકનું મોત નીપજ્યું હતું.
ખેત મજૂરી કરતા સુરેશભાઈ સાંજના સમયે કેનાલ પાસે હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે. સાંજના આશરે 5:30 વાગ્યાની આસપાસ ગામમાં બકરા ચરાવવા નીકળેલા એક વ્યક્તિની નજર કેનાલના પાણીમાં પડેલા સુરેશભાઈ પર પડી હતી.

તેમણે તાત્કાલિક ગ્રામજનોને જાણ કરતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. નવાઈની વાત એ હતી કે કેનાલમાં પાણી ખૂબ જ ઓછું હતું, છતાં યુવકનું મોત થતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. જોકે, મૃતકના સગા-સંબંધીઓના જણાવ્યા અનુસાર, સુરેશભાઈને ખેંચ આવવાની બીમારી હતી. શક્ય છે કે કેનાલ પાસે ઉભા હોય ત્યારે અચાનક ખેંચ આવતા તેઓ પાણીમાં ખાબક્યા હોય અને સ્વબચાવ ન કરી શકવાને કારણે તેમનું મૃત્યુ થયું હોય.

ઘટના અંગે આમોદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની વિધિ પૂર્ણ કરી મૃતદેહ પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. યુવકના અકાળે અવસાનથી પરિવાર સહિત સમગ્ર કોલવણા ગામમાં ગમગીની વ્યાપી ગઈ છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023
