આમોદ શહેરમાં રાત્રીના ઈશાની નમાઝ બાદ ઈસ્લામ ધર્મના મહાન વ્યક્તિત્વ હઝરત મૌલા અલી (અ.સ.)ની યાદમાં એક ભાવભર્યું અને શાંતિપૂર્ણ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક જુલુસનો પ્રારંભ શહેરના વાવડી ફરિયા વિસ્તારમાંથી થયો હતો, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. માર્ગમાં મહંમદ શા બાવાની દરગાહ પાસેથી પસાર થતી વખતે શ્રદ્ધાળુઓમાં ભારે આદરભાવ જોવા મળ્યો હતો. ત્યારબાદ જુલુસ દરબારી મસ્જિદ ખાતે પહોંચ્યું હતું, જ્યાં થોડા સમયના વિરામ દરમિયાન વિશેષ દુઆઓ તેમજ નાત-મનકબતનું પઠન કરવામાં આવ્યું હતું. સમગ્ર માર્ગ પર શિસ્તબદ્ધ અને સુમેળભર્યા વાતાવરણ વચ્ચે લોકોમાં અનેરો ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ જુલુસ શહેરના વિવિધ માર્ગો પર ભ્રમણ કરી અંતે બાદશાહ બાપુના બગીચામાં પહોંચ્યું હતું. અહીં સેરે અલીબાવા નાસિર મન્સૂરી તથા સૈયદ સડતોની પ્રેરક ઉપસ્થિતિમાં જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું.
તેમના માર્ગદર્શન હેઠળ સામૂહિક દુઆ કરવામાં આવી હતી, જેમાં હઝરત મૌલા અલી (અ.સ.)ના પ્રેરણાદાયી જીવન, તેમના સંઘર્ષ અને ઈસ્લામ માટેના બલિદાન વિશે વિગતવાર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ ધાર્મિક આયોજનમાં આમોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એકતા અને ભાઈચારાના પ્રતીક સમાન આ કાર્યક્રમ અત્યંત શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023