દેશની અગ્રણી ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની અંકલેશ્વર એસેટ દ્વારા એસેટ મેનેજર જે. એન. સુકાનંદનના નેતૃત્વ હેઠળ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સ્થાનિક યુવાનોના કૌશલ્ય વર્ધન માટે લેવાયેલા એક અભૂતપૂર્વ નિર્ણયમાં ભરૂચ જિલ્લાના ૨૪૦ વિદ્યાર્થીઓની એપ્રેન્ટિસ તરીકે પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ONGC અંકલેશ્વરના ઈતિહાસમાં અગાઉ ક્યારેય આટલી મોટી સંખ્યામાં એપ્રેન્ટિસની નિમણૂક કરવામાં આવી નથી, જે આ વર્ષની વિશેષતા બની રહી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ITI, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, સાયન્સ અને આર્ટસ જેવા વિવિધ પ્રવાહોના સ્નાતકોને તક આપવામાં આવી છે. કુલ ૨૮૮ જગ્યાઓ માટેના આયોજનમાં પ્રથમ તબક્કે ૨૪૦ બેઠકો ભરી દેવામાં આવી છે, જ્યારે બાકીની જગ્યાઓ આગામી બીજા અને ત્રીજા તબક્કામાં ભરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને એક વર્ષના પ્રાયોગિક તાલીમ કાર્યક્રમ દરમિયાન નિયત માસિક સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે, જે તેમને આર્થિક ટેકો પૂરો પાડશે.
આ તાલીમ કાર્યક્રમ માત્ર ટેકનિકલ જ્ઞાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ યુવાનોની રોજગાર ક્ષમતા વધારવા પર વિશેષ ભાર મૂકે છે. તાલીમ દરમિયાન એપ્રેન્ટિસને ઈન્ટરવ્યુની તૈયારી, સંવાદ કૌશલ્ય ટીમ બિલ્ડિંગ અને વ્યવસાયિક વર્તણૂક જેવા સોફ્ટ સ્કિલ્સના પાઠ ભણાવવામાં આવશે, જેથી તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ પહેલ વિશે વાત કરતા એસેટ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, પસંદ કરાયેલા મોટાભાગના ઉમેદવારો ભરૂચ જિલ્લાના સ્થાનિક રહીશો છે, જે સ્થાનિક સમુદાયના ઉત્થાન માટેની ONGCની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનશ્રીના કૌશલ્ય વિકાસ દ્વારા રોજગાર સર્જન અને વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મક્કમ ડગલું છે. ONGC અંકલેશ્વર આ પ્રોજેક્ટ દ્વારા રાષ્ટ્ર માટે એક સક્ષમ અને કુશળ કાર્યબળ તૈયાર કરવા બદલ ગર્વની લાગણી અનુભવે છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com