Geo Gujarat News

અંકલેશ્વર રૂરલ પોલીસની માનવતાવાદી કામગીરી, જીતાલી ગામેથી મળી આવેલ ૫ વર્ષની બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લામાં ગુમ થયેલા કે અપહરણ કરાયેલા બાળકો અને મહિલાઓને શોધી કાઢવા માટે ચાલી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર રૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. અંકલેશ્વરની પદમાવતી સોસાયટીમાંથી રમતા-રમતા ગુમ થયેલી ૫ વર્ષીય બાળકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પોલીસે તેના પરિવારને સોંપી માનવતા મહેકાવી છે. ઘટનાની વિગત મુજબ, અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલી પદમાવતી સોસાયટીમાં રહેતી સબનમ નામની ૫ વર્ષની બાળકી રમતા-રમતા રસ્તો ભટકીને જીતાલી ગ્રીન પાર્ક સોસાયટીમાં પહોંચી ગઈ હતી. અજાણી બાળકીને એકલી જોઈ જાગૃત નાગરિકોએ ‘જનરક્ષક ૧૧૨’ પર જાણ કરતા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકીને સુરક્ષિત રીતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી.નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. ગોહીલે તુરંત જ એક્શન પ્લાન તૈયાર કરી અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે બાળકીનો ફોટો મેળવી રાત્રી દરમિયાન જીતાલી, દઢાલ, સેંગપુર, મીરાનગર અને સાળંગપુર જેવા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પોલીસની ટીમોએ ઘરે-ઘરે જઈ ફોટો બતાવી પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની સતત મહેનતને અંતે બાળકીના વાલી વારસની ઓળખ થઈ હતી. રાત્રિના સમયે જ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી માસૂમ બાળકીનો કબજો તેના ચિંતિત પરિવારને સોંપવામાં આવ્યો હતો. પોતાની વ્હાલસોયી દીકરીને હેમખેમ પરત મેળવતા પરિવારે અંકલેશ્વર રૂરલ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. જિલ્લા પોલીસની આ ત્વરિત અને પરિણામલક્ષી કામગીરીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.