આણંદ નેશનલ હાઈવે ૪૮ પર એકતા હોટલ નજીક આવેલા ગામડી રેલ્વે બ્રિજ પાસે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. અત્યંત જ્વલનશીલ ગણાતા ઝાયલિન કેમિકલથી ભરેલું એક ટેન્કર સર્વિસ રોડ પર અચાનક પલટી ખાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. ટેન્કર પલટી જવાથી તેમાંથી કેમિકલ લીકેજ થવાનું શરૂ થયું હતું, જેણે ગંભીર ખતરો ઊભો કર્યો હતો. જોકે, કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની ત્વરિત અને સચોટ કામગીરીને પગલે એક મોટી હોનારતને અટકાવી શકાઈ હતી અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
શનિવારે વહેલી સવારે આ ઘટનાની જાણ થતાં જ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની આગેવાની હેઠળ ૪ ફાયર ફાઈટર અને લશ્કરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. કેમિકલ અત્યંત જ્વલનશીલ હોવાથી આગ લાગવાની પ્રબળ શક્યતા હતી, જેને ધ્યાનમાં રાખીને ફાયર ટીમ દ્વારા તુરંત જ ટેન્કર પર AFFF (Aqueous Film Forming Foam) કેમિકલનો છંટકાવ કરી સતત કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ઘટનાસ્થળની નજીકમાં જ પ્લાસ્ટિકનું ગોડાઉન આવેલું હોવાથી જોખમ વધુ હતું, પરંતુ ફાયર વિભાગે સાવચેતીના તમામ પગલાં ભરીને સ્ટાફને સ્ટેન્ડ બાય રાખ્યો હતો. ત્યારબાદ બે હાઈડ્રા મશીનની મદદથી કેમિકલ ભરેલા ટેન્કરને ખૂબ જ સુરક્ષિત રીતે સીધું કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગની આ સમયસૂચકતા અને વ્યાવસાયિક કામગીરીને કારણે હાઈવે પર સર્જાયેલું મોટું જોખમ ટળી ગયું હતું અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023