ભરૂચ જિલ્લાના નેત્રંગ ચાર રસ્તા ખાતે પોલીસ વિભાગ દ્વારા ‘ટ્રાફિક જાગૃતિ સપ્તાહ’ની ખૂબ જ પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ આ અભિયાન અંતર્ગત નેત્રંગ પોલીસે વાહનચાલકોને દંડ કરવાને બદલે ગુલાબનું ફૂલ આપીને નિયમોનું પાલન કરવા માટે નમ્રતાપૂર્વક સમજાવ્યા હતા. પોલીસની આ ગાંધીગીરી જોઈને વાહનચાલકો પણ આશ્ચર્યચકિત થયા હતા અને ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને ઝઘડિયા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેનું સફળ આયોજન નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. વસાવા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ.પી. પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ અભિયાનમાં નેત્રંગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પણ ઉત્સાહભેર જોડાઈને માર્ગ સલામતીનો સંદેશ ફેલાવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકો અને રાહદારીઓમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવાનો હતો. પોલીસના આ માનવીય અભિગમની સ્થાનિક લોકો અને વાહનચાલકોએ ભારે પ્રશંસા કરી હતી. પોલીસે હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરવા જેવી મહત્વની બાબતો અંગે લોકોને જાગૃત કર્યા હતા.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023