ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલ બચો કા ઘર સંચાલિત શાળામાં બીબન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચકક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને તેમને આગળ વધવા માટે સહાયરૂપ બનવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સંચાલક અને લંડનથી પધારેલા ગુલામભાઈનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના શુભ હસ્તે તેમજ આમોદ તાલુકા પ્રમુખ ઈબ્રાહીમ શેઠ અને અન્ય ઉપસ્થિત આગેવાનોના હસ્તે એમબીબીએસ, બી.ફાર્મ, બી.એસસી નર્સિંગ સહિત વિવિધ મેડિકલ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી, જેને કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
બીબન ચેરીટેબલ ટ્રસ્ટ માત્ર ઉચ્ચ શિક્ષણ પૂરતું જ નહીં પરંતુ સરકાર તરફથી કોઈ સહાય ન મળતી લઘુમતી સંચાલિત શાળાઓને પણ સતત સહયોગ આપે છે. સાથે સાથે લઘુમતી સમાજના ગરીબ પરિવારના લગ્ન પ્રસંગોમાં સહાય, બીમાર વ્યક્તિઓને સારવાર માટે આર્થિક મદદ તેમજ કેટલાક ગામોમાં પીવાના શુદ્ધ પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરવાની કામગીરી પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે બીબન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા વીસ વર્ષથી મુસ્લિમ લઘુમતી સમાજના શૈક્ષણિક, સામાજિક અને માનવીય વિકાસ માટે સતત સેવા કાર્ય કરી રહ્યો છે. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી આ સેવાઓ સમાજમાં શિક્ષણ, સમાનતા અને સામાજિક કલ્યાણના પ્રચાર માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023