ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોની આસપાસ આવેલા ગામડાઓના વિકાસ માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મળેલી જીઆઇડીસી સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં ભરૂચ જિલ્લાના 6 નિર્દિષ્ટ વિસ્તારોના ગામો માટે કુલ 32.45 કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ જિલ્લાની મુખ્ય 6 ઔદ્યોગિક વસાહતો જેવી કે અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા, ભરૂચ, પાલેજ અને વાલિયાનો સમાવેશ થાય છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા સ્થાપિત આ વસાહતોની હદમાં આવતા ગામડાઓમાં પાયાની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આ માતબર રકમ ખર્ચવામાં આવશે.

ગામડાઓમાં પાકા રોડ-રસ્તા અને ગટર વ્યવસ્થાનું નિર્માણ કરાશે, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને વીજળીની સુવિધામાં વધારો કરાશે. તેમજ શૈક્ષણિક સંકુલોનું સશક્તિકરણ અને આરોગ્ય વિષયક પાયાની જરૂરિયાતોને પ્રાધાન્ય અપાશે. નોંધનીય છે કે, નિયમ મુજબ ઔદ્યોગિક એકમો પાસેથી દર વર્ષે જે સંકલિત વેરો ઉઘરાવવામાં આવે છે, તેના ૧/૩ ભાગ (અંદાજે 33%) ભંડોળનો ઉપયોગ આસપાસના ગામોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવે છે. આ નિર્ણયથી ઉદ્યોગોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોના જીવનધોરણમાં પણ સુધારો જોવા મળશે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023