વાગરા તાલુકાની વાંટા પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૦ વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને વિદ્યાર્થીઓના પ્રિય એવા શિક્ષિકા રૂબીનાબેન શેખની બદલી થતા શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા એક ભવ્ય તથા ભાવભીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. રૂબીનાબેને વાંટા શાળામાં ૨ વર્ષ ઇન્ચાર્જ આચાર્ય તરીકે અને ૮ વર્ષ શિક્ષક તરીકે અમૂલ્ય સેવાઓ આપી શિક્ષણના સ્તરને ઊંચું લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. રૂબીનાબેનનો વાગરા પંથક સાથેનો નાતો ખૂબ જ જૂનો અને અતૂટ રહ્યો છે. તેઓએ વાંટામાં ૧૦ વર્ષ ઉપરાંત અગાઉ વાગરા કન્યા શાળામાં ૫ વર્ષ અને ખંડાલીમાં ૪ વર્ષ મળીને સમગ્ર વાગરા પંથકમાં કુલ ૧૯ વર્ષ જેટલો દીર્ઘ સમય શિક્ષણ ક્ષેત્રે સમર્પિત કર્યો છે. તેમની શિક્ષણશૈલી અને વિદ્યાર્થીઓ પ્રત્યેના સ્નેહને કારણે તેઓ સમગ્ર પંથકમાં આદરણીય બન્યા છે.
વાગરા પંથકની શાળાઓમાં શિક્ષણની સુવાસ ફેલાવ્યા બાદ, હવે રૂબીનાબેન શેખની બદલી કંથારિયા ગામ ખાતે થઈ છે. વાગરા તાલુકાની વિવિધ શાળાઓમાં ૧૯ વર્ષ સુધી બજાવેલી લાંબી અને યાદગાર સેવાઓ બાદ, તેઓ હવે કંથારિયાની શાળામાં નવી જવાબદારી સંભાળશે. વાંટા શાળાના વિદાય સમારંભમાં ઉપસ્થિત સૌ કોઈએ તેમની નવી સફર માટે મંગલકામનાઓ પાઠવી હતી. ભલે તેમની બદલી કંથારિયા થઈ હોય, પરંતુ વાગરા પંથકના વિદ્યાર્થીઓના ઘડતરમાં તેમણે આપેલું યોગદાન હંમેશા યાદ રહેશે.
આ પ્રસંગે આયોજિત વિદાય સમારંભમાં સુધાબેન હડપતી, નિમીષાબેન ધામેચા, પટેલ પ્રતીક્ષાબેન, જ્યોતિકાબેન સિંધા સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ અને ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ રૂબીનાબેનની સેવાકીય પ્રવૃત્તિઓ અને કર્તવ્યનિષ્ઠાને બિરદાવી તેમને ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાયની આ વેળાએ શાળાના વિદ્યાર્થીઓ અને સાથી શિક્ષકોની આંખો પણ ભીની થઈ હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com