Geo Gujarat News

અંકલેશ્વર હાઈબ્રિડ ગાંજા રેકેટના તાર સુરત સુધી ખેંચાયા, GIDC પોલીસે વધુ એક સાગરીતને નાનપુરાથી દબોચ્યો

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ખળભળાટ મચાવનાર હાઈબ્રિડ ગાંજાના વેચાણ અને હેરાફેરીના ગુનામાં ભરૂચ પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. ભરૂચ SOG દ્વારા નવેમ્બર માસમાં ઝડપાયેલા આ હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કેસની તપાસમાં સુરતના એક યુવકની સંડોવણી ખુલતા, અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે સુરતના નાનપુરા વિસ્તારમાં ઓપરેશન પાર પાડી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. ગત 5મી નવેમ્બરના રોજ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલા અંબે ટ્રેડ સેન્ટરના એક કોલડ્રિન્ક પાર્લર પાસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ઉચ્ચ ગુણવત્તા ધરાવતો 435 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો, જેની કિંમત અંદાજે 2 લાખથી વધુ હતી. આ કેસમાં પોલીસે અગાઉ આકાશ યાદવ અને વિવેક ચૌહાણ સહિત 5 શખ્સોને જેલભેગા કર્યા હતા.

ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં પોલીસને આ નશીલા પદાર્થના નેટવર્કના તાર સુરત શહેર સાથે જોડાયેલા હોવાની પાકી કડી મળી હતી. અંકલેશ્વર GIDC પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સુરતના નાનપુરા, સુથાર મોહલ્લામાં છુપાયેલા મંથન સંજીવ ચૌહાણને દબોચી લીધો હતો. આ સાથે જ આ રેકેટમાં પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા હવે 6 થઈ ગઈ છે. પોલીસે આરોપી મંથન ચૌહાણના રિમાન્ડ મેળવીને ડ્રગ્સના મુખ્ય સપ્લાયર સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. આટલી મોંઘી કિંમતનો હાઈબ્રિડ ગાંજો કયા માર્ગે ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હતો અને આ સિન્ડિકેટમાં સુરતના અન્ય કેટલા માથાઓ સામેલ છે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.