ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં રવિવારની રાત્રિ લોહિયાળ સાબિત થઈ હતી, જ્યાં અલગ-અલગ બે માર્ગ અકસ્માતોમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિ હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. વાલિયા પોલીસે બંને ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ બનાવ રવિવારની મોડી સાંજે વાલિયાની સિલુડી ચોકડી પાસે આવેલા બાપા સીતારામ મંદિરની સામે બન્યો હતો. વટારિયા ગામના દરગાહ ફળિયામાં રહેતા 65 વર્ષીય ભરતભાઈ હિંમતલાલ જવેરી માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા એક અજાણ્યા બાઇક ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઈને તાત્કાલિક સારવાર માટે વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમણે દમ તોડ્યો હતો. વૃદ્ધના મોતના સમાચારથી વટારિયા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માતની બીજી ઘટના રાત્રે 8:40 કલાકે વાલિયા-નેત્રંગ માર્ગ પર ડુંગેરી ફળિયા સામે બની હતી. અહીં એક બેફામ કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘાયલ રાહદારીની હાલત નાજુક હોવાથી તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વાલિયા-નેત્રંગ માર્ગના નવીનીકરણ બાદ શિવ દર્શન સોસાયટી, રામેશ્વર સોસાયટી અને ડુંગેરી ફળિયા પાસે માર્ગ પર વાહનોના આડેધડ પાર્કિંગને કારણે અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સ્થાનિકોએ માર્ગ પર થતા દબાણો દૂર કરી સુરક્ષા વધારવાની માંગ કરી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023