ભાવનગર શહેરના કુંભારવાડા સ્થિત મોતીતળાવ વિસ્તારમાં ગત મોડી રાત્રે બાઈક ચલાવવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હિંસક મારામારીની ઘટના બની હતી. આ જૂથ અથડામણમાં એક ટોળાએ પરપ્રાંતીય ૨ મહિલાઓ સહિત કુલ ૮ લોકો પર લાકડીઓ અને અન્ય હથિયારો વડે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં તમામ ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર બનાવની જાણ થતા જ બોરતળાવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી સામસામે પક્ષે ફરિયાદ નોંધી કુલ ૮ શખ્સોની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા શખ્સોનો વિસ્તારમાં ખોફ ઓછો કરવા અને અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ પેદા કરવા માટે પોલીસે આ તમામ ૮ આરોપીઓને મોતીતળાવ વિસ્તારમાં લાવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે જાહેરમાં ફેરવીને કાયદાનું ભાન કરાવ્યું હતું, જેને પગલે ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં બોરતળાવ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોએ પોલીસની આ કડક અને ત્વરિત કામગીરીને બિરદાવી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023