વાગરા તાલુકામાં વસ્તીખંડાલી-વાગરા વચ્ચે તાજેતરમાં બનાવવામાં આવેલા રોડના કામમાં ગંભીર ગેરરીતિઓ સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોએ આ રોડના નવ નિર્માણમાં તદ્દન હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. થોડા સમય પહેલાં જ બનાવાયેલો રોડ હાલ ગાબડાંથી છલકાઈ રહ્યો છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ રોડના નિર્માણમાં ડામર તથા પથ્થર જેવી સામગ્રી અત્યંત નીચી ગુણવત્તાની વપરાઈ છે. સરકારી ગ્રાન્ટનો ખુલ્લેઆમ દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાકટરે ટેન્ડરની શરતોનું પાલન કર્યા વિના મનમાની રીતે કામ કર્યું હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું છે. રોડની બંને બાજુ જરૂરી પુરાણ કરવામાં આવ્યું નથી તેમજ રોડની પહોળાઈમાં પણ કાપ મૂકાયો હોવાનો આક્ષેપ છે. જે સ્પષ્ટ રીતે નિયમોની ઉલ્લંઘના દર્શાવે છે.
આ ઉપરાંત રોડ ઉપર કોઈપણ પ્રકારના દિશા સૂચક બોર્ડ, વળાંક સૂચક ચિહ્નો, રંગરોગાન કે પટ્ટા મૂકવામાં આવ્યા નથી, જે માર્ગ સલામતી માટે ગંભીર ખતરો ઊભો કરે છે. ગ્રામજનોનું કહેવું છે કે આ તમામ બેદરકારીઓથી સ્પષ્ટ થાય છે કે કામમાં ગુણવત્તા નહીં પરંતુ કમિશનને મહત્વ આપવામાં આવ્યું છે. પરિણામે જનહિતના કામમાં લૂંટ ચાલતી હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. આ મામલે ગ્રામજનોએ કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી કોન્ટ્રાકટરનું પેમેન્ટ તાત્કાલિક અટકાવવાની અને રોડ ફરીથી ગુણવત્તાયુક્ત રીતે બનાવવાની માંગણી ઉઠાવી છે. સાથે જ આ કામની ઉચ્ચસ્તરીય ટેકનિકલ તપાસ અને ક્વોલિટી ચેક કરવાની, તેમજ જરૂર જણાય તો વિજિલન્સ અને SITની રચના કરીને સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જવાબદાર કોન્ટ્રાકટર અને સુપરવાઈઝર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી સ્પષ્ટ માંગ સાથે વાગરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક ઇજનેર તથા માર્ગ અને મકાન વિભાગ ભરૂચને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પટેલ ઈમ્તિયાજ, કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલ, તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ અક્ષય રાજ, જાવેદ પટેલ, અસલમ રાજ, જાબીર પટેલ તેમજ ગામના આગેવાનો શકીલ ભટ્ટી, સફરાજ ખિલજી, આકિબ ભટ્ટી, સફરાઝ ભટ્ટી, અશફાક પટેલ, હારુન પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે ન્યાય નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com