આમોદ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારી અને વહીવટી નિષ્ફળતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દીવા તળે જ અંધારું એ કહેવત અહીં સાર્થક થતી જોવા મળી રહી છે, કારણ કે પાલિકા પ્રમુખના પોતાના જ મત વિસ્તાર એવા વોર્ડ નંબર-૪ ના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. નરકાગાર જેવી સ્થિતિ વચ્ચે રહીશો નર્કાગારમાં જીવવા મજબૂર બન્યા છે. દુર્ગંધ મારતી ઉભરતી ગટરોના ગંદા પાણી લોકોના ઘર આંગણા સુધી પહોંચી ગયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઝાડા-ઊલટી અને તાવ જેવા રોગોએ માથું ઉંચક્યું છે. અનેક પરિવારોમાં બીમારીના ખાટલા ખડકાયા હોવા છતાં પાલિકા તંત્ર જાડી ચામડીનું હોય તેમ મૌન સેવી રહ્યું છે.
ગંદકી અને રોગચાળાથી ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાઓનો સંયમ આજે ખૂટ્યો હતો અને તેઓ રણચંડી બની પાલિકા કચેરીએ ધસી ગઈ હતી. પાલિકા પ્રમુખ પોતાના જ વિસ્તારમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ કચેરીમાં ઉગ્ર દેખાવો અને હલ્લાબોલ કર્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, જ્યારે રોષે ભરાયેલી મહિલાઓ પોતાની વેદના રજૂ કરવા પહોંચી ત્યારે પાલિકા પ્રમુખ કે મુખ્ય અધિકારી પોતાની ચેમ્બરમાં હાજર મળ્યા નહોતા. અંતે મહિલાઓએ ત્યાં હાજર સ્થાનિક સદસ્યને આડે હાથ લેતા ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો કે છેલ્લા ૧૫ દિવસથી રજૂઆતો છતાં કોઈ જ સાંભળનાર નથી.
સ્થાનિક મહિલાઓએ અત્યંત વ્યથિત થઈને જણાવ્યું હતું કે, ગંદકીના કારણે નાના બાળકો અને વૃદ્ધો ગંભીર રીતે બીમાર પડી રહ્યા છે. લોકોએ મોંઘી દવાઓ, ઇન્જેક્શન અને બોટલો ચઢાવીને દિવસો પસાર કરવા પડી રહ્યા છે, પરંતુ પાલિકા સત્તાધીશોને આ માનવીય પીડા દેખાતી નથી. આમોદ નગરમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે જે પ્રમુખ પોતાના મત વિસ્તારની ગટરો સાફ નથી કરાવી શકતા, તેઓ આખા શહેરનો વિકાસ કેવી રીતે કરશે? હાલ તો મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ગટરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023