Geo Gujarat News

જંબુસરમાં માનવતા મહેકી, ખુલ્લી કાંસમાં ગાયે વાછરડાને જન્મ આપ્યો, ફ્રુટ વિક્રેતા અને સ્થાનિક મહિલાઓએ જીવ બચાવ્યો

જંબુસર શહેરમાં રખડતા પશુઓની સમસ્યા વચ્ચે આજે એક હૃદયસ્પર્શી પરંતુ તંત્રની આંખ ઉઘાડતી ઘટના સામે આવી છે. શહેરના પોલીસ લાઈન રેલવે ફાટક પાસે એક ગર્ભવતી ગાયે વરસાદી પાણીથી ભરેલી ખુલ્લી કાંસમાં વાછરડાને જન્મ આપ્યો હતો. પશુપાલકોની ગંભીર બેદરકારી અને નગરપાલિકાની આળસ વચ્ચે આ અબોલ જીવોનો જીવ જોખમમાં મુકાયો હતો, જેને સ્થાનિકોની સમયસૂચકતાએ બચાવી લીધો છે. પોલીસ લાઈન પાસે જ્યારે ગાયે વાછરડાને જન્મ આપ્યો, ત્યારે નવજાત વાછરડું કાંસના ગંદા પાણીમાં તરફડિયા મારી રહ્યું હતું. આ દ્રશ્ય લારી પર ફ્રુટ વેચતા મહેબૂબ પટેલની નજરે ચઢતા તેમણે તુરંત પોતાની લારી બાજુ પર મૂકી અને જાનના જોખમે કાંસમાં ઉતરી વાછરડાને સલામત સ્થળે બહાર કાઢ્યું હતું. આ સેવાકાર્યમાં સ્થાનિક મહિલાઓ પણ મદદે આવી હતી અને વાછરડાને હૂંફ આપી હતી. નવજાત જીવને રખડતા શ્વાનો નુકસાન ન પહોંચાડે તે માટે સ્થાનિકોએ ત્યાં ચોકી પહેરો ભરી ગોરક્ષકોને જાણ કરી હતી.

આ ઘટનાએ જંબુસર નગરપાલિકા અને પશુપાલકો સામે અનેક સવાલો ઉભા કર્યા છે. પશુપાલકો પોતાના પશુઓને દૂધ કાઢી લીધા બાદ રસ્તા પર રઝળતા મૂકી દે છે, જેમાં ગર્ભવતી પશુઓની પણ દરકાર લેવાતી નથી. માર્ગો પર અડીંગો જમાવીને બેસતા પશુઓને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, તેમ છતાં નગરપાલિકા તંત્ર રખડતા પશુઓને પકડવામાં આળસ દાખવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ગોરક્ષકોની ટીમ સ્થળ પર દોડી આવી હતી. તેમણે ગાય અને વાછરડાની સુરક્ષા સંભાળીને તેમના મૂળ માલિકની શોધખોળ હાથ ધરી છે, જેથી આ અબોલ જીવોને તેમના આશ્રયસ્થાને પહોંચાડી શકાય. સ્થાનિકોએ આક્રોશ સાથે માંગ કરી છે કે તંત્ર દ્વારા રખડતા પશુઓ મામલે હવે કોઈ નક્કર અને કડક કાર્યવાહી કરવામાં આવે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.