આદિવાસી બેલ્ટના કદાવર નેતા અને બીટીપીના સ્થાપક છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવાએ વિધિવત રીતે કોંગ્રેસનો હાથ પકડતા દક્ષિણ ગુજરાતના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. મંગળવારે આયોજિત એક કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ તેઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ ત્યાં યોગ્ય સન્માન અને મહત્વનું સ્થાન ન મળતા તેઓ લાંબા સમયથી નારાજ હતા. આ નારાજગીને પગલે તેમણે 9 મહિના પહેલા જ તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસમાં જોડાયા બાદ મહેશ વસાવાએ ભાજપની નીતિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર ચાલીને સમાજને વેરવિખેર કરવાનું કામ કરી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, કચડાયેલા વર્ગ અને અલ્પસંખ્યકોનો અવાજ બુલંદ કરવા માટે કોંગ્રેસ જ શ્રેષ્ઠ મંચ છે. આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટીને ભાજપની બી-ટીમ ગણાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે આપ માત્ર કોંગ્રેસના વોટ કાપીને ભાજપને ફાયદો કરાવવાનું કામ કરે છે, જે રમત હવે જનતા સમજી ગઈ છે.

મહેશ વસાવાના કોંગ્રેસ પ્રવેશથી દેડિયાપાડા વિધાનસભા બેઠક પર નવા સમીકરણો રચાયા છે. કોંગ્રેસના મજબૂત નેતા અમરસિંહ વસાવાના અવસાન બાદ આ બેઠક પર પક્ષ પાસે કોઈ મોટો ચહેરો નહોતો. હવે મહેશ વસાવાના આગમનથી કોંગ્રેસને આ બેઠક પર મજબૂત ઉમેદવાર મળી શકે છે. રસપ્રદ વાત એ છે કે, દેડિયાપાડાના હાલના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજકારણના પાઠ છોટુભાઈ અને મહેશ વસાવા પાસેથી જ શીખ્યા છે, ત્યારે આગામી સમયમાં ગુરુ-ચેલા વચ્ચેનો જંગ જોવા મળી શકે છે. આ રાજકીય ઘટનાક્રમ અંગે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મિશ્ર પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે, મહેશ વસાવાએ લીધેલો નિર્ણય સારો છે, પરંતુ જો તેમણે રાજકારણમાં લાંબી ઇનિંગ રમવી હોય અને આગળ વધવું હોય તો ઝઘડિયા વિધાનસભા બેઠક પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વર્ષોથી જળ, જંગલ અને જમીનના મુદ્દે લડતા વસાવા પરિવારનો કોંગ્રેસ સાથેનો આ નવો સંગાથ આદિવાસી વિસ્તારોમાં ભાજપ અને આમ આદમી પાર્ટી માટે કેટલો પડકારજનક સાબિત થાય છે તે જોવું રહ્યું.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023