Geo Gujarat News

ભરૂચ-નર્મદા યુવાનો માટે રોજગારનો મહામેળો, જયેન્દ્રપુરી કોલેજે યોજાયો ક્લસ્ટર મેગા જોબફેર

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાના યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગારમેળામાં 44 અગ્રણી કંપનીઓ દ્વારા કુલ 2381થી વધુ વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં મોટી સંખ્યામાં રોજગાર શોધતા યુવાનો અને યુવતીઓ ઉમટી પડ્યા હતા. કંપનીઓના અધિકારીઓની હાજરીમાં ઇન્ટરવ્યુ અને પસંદગી પ્રક્રિયા યોજાઈ, જેનાથી યુવાનોમાં ઉત્સાહ અને આશા બંને જોવા મળી હતી. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જાન્યુઆરી-2026 દરમિયાન રાજ્યભરમાં 12 ક્લસ્ટર મેગા જોબફેર યોજવાની પહેલ અંતર્ગત આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લાના યુવાનોને સ્થાનિક સ્તરે મનપસંદ રોજગારીની તક મળે અને ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય એ હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને રોજગાર વિભાગે આ જોબફેરને સફળ રીતે અમલમાં મૂક્યો છે.

આ ભરતીમેળામાં એક્સિક્યુટિવ, આસિસ્ટન્ટ, ઓફિસ વર્ક, એપ્રેન્ટિસ, ક્યુસી ઓફિસર સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી. SSC, HSC, ITI, ડિપ્લોમા એન્જિનિયર, સ્નાતક, અનુસ્નાતક તેમજ એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા યોજાઈ, જેથી વિવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિના યુવાનોને સમાન તક મળી હતી. જોબફેરનો શુભ પ્રારંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, નાયબ કલેકટર પાર્થ જયસ્વાલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જે.પી. કોલેજના પ્રિન્સિપાલ નીતિન પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ભરૂચ રોજગાર અધિકારી સંજય ગોહિલ અને નર્મદા જિલ્લાના રોજગાર અધિકારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

ભરતીમેળાના પ્રચાર-પ્રસાર માટે અંદાજે 5000 જેટલા ઉમેદવારોને કોલલેટર દ્વારા જાણ કરવામાં આવી હતી. દહેજ, અંકલેશ્વર, ઝઘડિયા, વિલાયત, પનોલી અને વાલિયા જેવા ઔદ્યોગિક વિસ્તારોની અગ્રણી કંપનીઓ—S.R.F, M.R.F, સનફાર્મા, યોકોહામા, બોરોસીલ, બ્રિટાનિયા, પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ્સ, જ્યુબિલિયન્ટ, બિરલા ગ્રાસિમ, ટોરેન્ટ ફાર્મા, રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ સહિત કુલ 44 કંપનીઓએ ભાગ લીધો હતો. તેમની જરૂરિયાત મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાતાં, યુવાનો માટે રોજગારની નવી દિશા ખુલતી જોવા મળી.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.