આમોદ તાલુકામાં ઘરવિહોણા અને જરૂરિયાતમંદ પરિવારો માટે સુખદ સમાચાર સામે આવ્યા છે. જંબુસરના પ્રાંત અધિકારી ડૉ. સુપ્રિયા ગાંગૂલીની અધ્યક્ષતામાં યોજાયેલી આમોદ તાલુકાની લેન્ડ કમિટીની બેઠકમાં ઘરથાળ પ્લોટ માટેની 28 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠક જંબુસર ખાતે આવેલી એસડીએમ કચેરીમાં યોજાઈ હતી, જેમાં ગ્રામ્ય કક્ષાએથી પ્રાપ્ત અરજીઓના નિકાલ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આમોદ તાલુકાના ઘરથાળ પ્લોટ મેળવવા પાત્ર લોકોને મફત સરકારી પ્લોટ ફાળવવાના નિર્ણય અંગે, તેમજ ગામની વિચરતી અને વિમુક્તિ જાતિના લોકો સહિતના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા બાબતે ચર્ચા થઈ. ઉપરાંત 100 ચોરસ વાર ગામતળ મંજૂરી આપવા અંગેના પ્રસ્તાવો પર પણ વિચારણા કરવામાં આવી.
આ બેઠકમાં આમોદ તાલુકાના કરેણા, ભીમપુરા, તેગવા, સરભાણ, ઘમણાદ, નાહિયેર, તણછા અને ઈટોલા ગામોના કુલ 28 જરૂરિયાતમંદ લાભાર્થીઓને સરકારી મફત પ્લોટ સહાય યોજના અંતર્ગત ઘરથાળ પ્લોટની મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી અનેક પરિવારોનું ઘરનું સ્વપ્ન સાકાર થવાની આશા મજબૂત બની છે. લેન્ડ કમિટીની બેઠકમાં કુલ 87 અરજીઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાંથી 57 અરજીઓમાં જરૂરી પુર્તતા પૂર્ણ કરી આગામી લેન્ડ કમિટીની બેઠકમાં મંજૂરી આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં વિવિધ સરકારી કચેરીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમણે પ્રક્રિયાને પારદર્શક અને અસરકારક બનાવવામાં સહયોગ આપ્યો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023