મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ તેમજ ગૃહવિભાગ, શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લાના સાધના સ્કૂલ, ભરૂચ ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સાઇબર સેફટી, સેલ્ફ ડિફેન્સ અને એસએચઇ ટીમ સાથે સંવાદ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ દીકરીઓને સુરક્ષિત, સશક્ત અને જાગૃત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી પ્રીતેશ વસાવા, સેલ્ફ ડિફેન્સ કોચ મલેકભાઈ, એસએચઇ ટીમના હિનાબેન અને હેતલબેન, જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર સેજલ પ્રજાપતિ તેમજ શાળાના આચાર્ય અને સ્ટાફગણ હાજર રહ્યા હતા. ધોરણ 9થી 12ની વિદ્યાર્થિનીઓને એસએચઇ ટીમ દ્વારા સાઇબર ક્રાઇમ, સાઇબર સેફટી તથા સોશિયલ મીડિયાના જવાબદાર અને સલામત ઉપયોગ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી પ્રીતેશ વસાવાએ પોતાના ઉદબોધનમાં દીકરીઓના સશક્તિકરણ પર ભાર મૂકતાં કહ્યું કે, જાગૃતિ અને આત્મવિશ્વાસથી જ દીકરીઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે. સેલ્ફ ડિફેન્સ કોચ મલેકભાઈ દ્વારા દીકરીઓને સ્વરક્ષણ અંગે પ્રાયોગિક ડેમો સાથે તાલીમ આપવામાં આવી, જેના કારણે વિદ્યાર્થિનીઓમાં આત્મરક્ષાનો આત્મવિશ્વાસ વધ્યો હતો. આ ઉપરાંત જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર સેજલ પ્રજાપતિએ સરકારની વિવિધ મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા કુલ 173 દીકરીઓને સાઇબર સુરક્ષા, સ્વરક્ષણ અને સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવી, જે દીકરીઓના સર્વાંગી વિકાસ અને સુરક્ષા તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થયું.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023