ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે, જ્યારે હવે બીજા રાઉન્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડ દરમિયાન આશરે 150 જેટલા પ્રાથમિક શિક્ષકોને તેમની પસંદગીની શાળામાં બદલી મળતાં શિક્ષક વર્ગમાં સંતોષની લાગણી જોવા મળી હતી. જોકે, લગભગ 50 જેટલા શિક્ષકોને પસંદગીની જગ્યા ન મળતાં તેઓ હવે બીજા રાઉન્ડ તરફ આશા રાખી રહ્યા છે. જિલ્લા આંતરિક બદલી માટે ભરૂચ જિલ્લાના અંદાજે 250 જેટલા પ્રાથમિક શિક્ષકોએ ઓનલાઈન લૉગિન કર્યું હતું, જેમાંથી 200 જેટલા શિક્ષકોની અરજીઓ પ્રાથમિક શિક્ષણ વિભાગને મળી હતી. આ તમામ અરજીઓની નિયમો મુજબ તપાસ કરીને નિયામકની કચેરીએ મોકલવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ રાઉન્ડમાં 150 જેટલા શિક્ષકોને જિલ્લા આંતરિક બદલીના ઓનલાઈન હુકમ જારી કરવામાં આવ્યા હતા.

પ્રથમ રાઉન્ડમાં એવી શાળાઓમાં જ્યાં એક ખાલી જગ્યા માટે એકથી વધુ શિક્ષકોએ અરજી કરી હતી, ત્યાં શિક્ષકોની શાળામાં દાખલ થયાની તારીખના આધારે પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ પ્રક્રિયા કારણે આશરે 50 જેટલા શિક્ષકોને તેમની પસંદગીની જગ્યા મળી શકી નહોતી. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગત રોજથી જિલ્લા આંતરિક ફેર બદલીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. બીજા રાઉન્ડમાં શિક્ષકો ખાલી પડેલી જગ્યાઓ માટે ફરીથી અરજી કરી શકશે. પ્રાથમિક શિક્ષકો બે દિવસ દરમિયાન આંતરિક બદલી માટે ફોર્મ ભરી શકશે, ત્યારબાદ તાલુકા અને જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. અરજીઓની તપાસ બાદ મંજૂર તથા નામંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. નિયમ મુજબ બીજા રાઉન્ડના મંજૂર થયેલા શિક્ષકોના બદલી હુકમ 16 જાન્યુઆરીએ ઓનલાઈન જાહેર કરવામાં આવશે, તેવી માહિતી મળી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023