Geo Gujarat News

આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક ફરી એક્શન મોડમાં, નોટિસ બાદ કડક કાર્યવાહી થશે કે ફરી વચનો જ રહેશે?  

આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક ફરી એકવાર શહેરમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંધકામો અને નિયમવિરોધી શોપિંગ સેન્ટરો સામે લાલ આંખ કરતા જોવા મળ્યા છે. શહેરમાં ચાલતા અનેક શોપિંગ કોમ્પ્લેક્સોને નોટિસ આપતા જ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને આ મુદ્દો હાલ આમોદમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. વાસ્તવિકતા એવી છે કે આમોદના મોટા ભાગના શોપિંગ સેન્ટરોમાં કાયદા મુજબ ફરજિયાત એવી ફાયર સેફટી વ્યવસ્થાઓ નામ માત્રની પણ નથી. ફાયર એક્ઝિટ, ફાયર ફાઈટિંગ સિસ્ટમ અને ઇમર્જન્સી સુવિધાઓ ફક્ત કાગળ પર જ સીમિત રહી ગઈ છે. એટલું જ નહીં, પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા વિના સર્વિસ રોડની બાજુમાં મનમાની રીતે વાહનો ઊભા રાખવામાં આવે છે, જેના કારણે રોજબરોજ અકસ્માતનો ખતરો મંડરાઈ રહ્યો છે. છતાં લાંબા સમયથી તંત્ર દ્વારા આ બાબતે આંખ આડી કાન કરવામાં આવી રહ્યા હતા.

આ પરિસ્થિતિમાં મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા શોપિંગ સેન્ટરના માલિકોને નોટિસ આપવામાં આવી છે. મીડિયા સમક્ષ તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જ્યાં કાયદા મુજબની સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે અને દબાણો દૂર કરાશે. પરંતુ નગરજનોમાં સૌથી મોટો સવાલ એ છે કે શું આ કાર્યવાહી ખરેખર જમીન પર દેખાશે કે ફરી એકવાર માત્ર નોટિસ પૂરતી જ સીમિત રહેશે? નાગરિકો કહે છે કે અગાઉ પણ આવા અનેક નોટિસો આપવામાં આવી હતી અને કડક કાર્યવાહી કરવાની વાતો થઈ હતી, પરંતુ આજે સુધી એક પણ અસરકારક પગલું ભરાયું નથી. નોટિસો ફાઈલોમાં દફનાઈ ગઈ અને ગેરકાયદેસર બાંધકામો યથાવત રહ્યા.

આથી હવે જનતા આશા અને શંકા વચ્ચે ઊભી છે. શું આ વખતે ખરેખર ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો પર બુલડોઝર ચાલશે? શું ફાયર સેફટી અને પાર્કિંગ વિના ચાલતા ધંધાઓ પર તાળું લાગશે? કે પછી આ લાલધુમ વલણ પણ થોડા દિવસોમાં ઠંડુ પડી જશે? આમોદની જનતા હવે માત્ર નિવેદન નહીં, પરંતુ સ્પષ્ટ, કડક અને નિષ્પક્ષ કાર્યવાહી જોવા માંગે છે. જો આ વખતે પણ અમલવારી નહીં થાય તો નગરપાલિકાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલ ઊભા થશે અને લાલધુમ શબ્દ જનતાની નજરે માત્ર નાટક બનીને રહી જશે.

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.