આમોદમાંથી શાસનતંત્રને શરમમાં મૂકે તેવી ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. આમોદ તાલુકા પંચાયત કચેરી રજાના દિવસે રવિવારે બિનઅધિકૃત રીતે ખુલ્લી રાખવામાં આવી હતી, જ્યાં કારોબારી અધ્યક્ષ અમીશાબેન પટેલના પતિ કેતન પટેલ અધિકારીના ટેબલ પર બેસેલ વીડિયોમાં રંગે હાથ ઝડપાયા હતા.
આ ઘટનાએ સમગ્ર તાલુકા પંચાયતની પારદર્શિતા અને કાર્યપદ્ધતિ પર મોટો સવાલ ઊભો કર્યો છે. ઘટનાના દ્રશ્યો મીડિયામાં પ્રસારિત થતા જ તંત્રની પોલ ખુલી ગઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યાં સાચા દોષિત સામે કડક કાર્યવાહી થવી જોઈએ ત્યાં જવાબદારી નિર્દોષ પર ઠેલી દેવાઈ છે. રજાના દિવસે કચેરી ખોલી આપવાનો આક્ષેપ મૂકી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ સફાઈ કામદાર અશોક સોલંકીને ફરજ પરથી મુક્ત કરતા ભારે વિવાદ ફાટી નીકળ્યો છે.આ નિર્ણય સામે અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સત્તાધારી લોકો અને પ્રભાવશાળાને બચાવવા માટે ગરીબ અને નિર્દોષ કર્મચારીને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે, જે સરાસર અન્યાય છે. સંઘે તાત્કાલિક અશોક સોલંકીને ફરી ફરજ પર લેવા માંગ કરી છે. અને ચેતવણી આપી છે કે, જો આવું નહીં થાય તો ટીડીઓ અને ડીડીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ એફ.આઈ.આર. કરવામાં આવશે. આ ઘટનાએ શાસનતંત્રની ન્યાયપ્રણાલી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આમોદ તાલુકા પંચાયત અને જિલ્લા તંત્ર ખરેખર સાચા દોષિત સામે પગલાં ભરે છે કે પછી પ્રભાવશાળાને બચાવીને નિર્દોષ કર્મચારી સાથે થતો અન્યાય યથાવત્ ચાલુ રહેશે. જનતા હવે માત્ર તપાસ નહીં, પરંતુ નિષ્પક્ષ અને કડક કાર્યવાહીની રાહ જોઈ રહી છે.આ અંગે આમોદના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ જે જણાવ્યું હતું કે, રવિવારના રજાના દિવસે કચેરીના વડાની પૂર્વ મંજૂરી વગર પંચાયત કચેરી અને ખાસ કરીને હિસાબી શાખા ખોલવી એ ગંભીર બાબત છે.
પત્રકાર દ્વારા મોકલવામાં આવેલા વિડિયોમાં કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ હિસાબી શાખામાં કામગીરી કરતા જોવા મળ્યા હતા, જે નિયમ વિરુદ્ધ છે.
આ મામલે પ્રાથમિક દૃષ્ટિએ સફાઈ કર્મચારી જેની પાસે ચાવીની કસ્ટડી હતી. અને હિસાબી શાખાના અધિકારી મુકેશભાઈ ડાભીની જવાબદારી જણાતા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. વધુમાં, પંચાયત ધારાની કલમ હેઠળ ચૂંટાયેલા પદાધિકારીની ગેરલાયકાત સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીને વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. જેથી આ સત્તાના દુરુપયોગ બદલ કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય.



Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023