Geo Gujarat News

ભરૂચ: પાલેજમાં વિદેશ જવાની લાલચે મહાકૌભાંડ, ખોટા લગ્ન અને બનાવટી કોર્ટ જજમેન્ટથી UK વિઝા કૌભાંડનો પર્દાફાશ.

ભરૂચ જિલ્લાના પાલેજમાંથી વિદેશ જવાની લાલચમાં આચરાતું એક ગંભીર અને ચોંકાવનારો કૌભાંડ બહાર આવ્યું છે. પાલેજ પોલીસે નકલી લગ્ન પ્રમાણપત્રો તેમજ કોર્ટના બનાવટી ચુકાદાઓ તૈયાર કરી યુ.કે વિઝા મેળવતી એક સુવ્યવસ્થિત ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ મામલે એક મહિલા સહિત કુલ ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપીઓએ ખોટા લગ્નના દસ્તાવેજો બનાવી તેમજ કોર્ટના જજમેન્ટના બનાવટી નકલ તૈયાર કરી બ્રિટિશ વિઝા મેળવી છેતરપિંડી આચરી હતી. આ કૌભાંડમાં એક આરોપી યુકેમાં અને એક કેનેડામાં રહેતો હોવાનું સામે આવ્યું છે, જેનાથી સમગ્ર ગેરકાયદેસર નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હોવાનું સ્પષ્ટ થાય છે.વિદેશ જવાની આંધળી લાલચમાં કાયદાની અવગણના કરી સરકારી તંત્ર અને વિદેશી દૂતાવાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ગંભીર છેતરપિંડી અંગે પાલેજ પોલીસે તાત્કાલિક પગલાં લઈ બ્રિટિશ હાઈ કમિશનને પણ જાણ કરી છે, જેથી વિઝા પ્રક્રિયા અને દસ્તાવેજોની વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ખોટા દસ્તાવેજોના આધારે વિદેશ જવાનું સપનું જોનારાઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. હાલ સમગ્ર કૌભાંડના તાર ક્યાં સુધી ફેલાયેલા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે અને આવનારા દિવસોમાં વધુ ધરપકડ થવાની સંભાવના પણ નકારી શકાતી નથી. આ ઘટનાએ ફરી એકવાર વિદેશ જવાની લાલચમાં ફસાતા લોકો અને નકલી દસ્તાવેજો બનાવતી ટોળકીઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.