અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામ નજીક શંકાસ્પદ રીતે ડીઝલની હેરાફેરી થતી હોવાનું પર્દાફાશ કર્યું છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડામાં ડીઝલનો જથ્થો અને વાહન સહિત કુલ 4.13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક ઇસમની અટકાયત કરવામાં આવી છે. પોલીસ સ્ટાફ નિયમિત પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાપોદ્રા ગામ પાસે આવેલી સાંઈ દર્શન સોસાયટીની બાજુમાં એક પિકઅપ ગાડીમાંથી કારબામાં ભરેલું ડીઝલ પાઇપ મારફતે આઇસર ટેમ્પોમાં ભરવામાં આવી રહ્યું છે. બાતમીને આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે બે કારબામાં ભરેલું કુલ 85 લીટર ડીઝલ કબ્જે કર્યું હતું. સ્થળ પરથી કાપોદ્રા ગામના મંદિર ફળિયામાં રહેતા વિજય ગણેશ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો. ડીઝલ અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ ન આપતા પોલીસને શંકા વધુ ઘેરાઈ હતી. પોલીસે 7,000 કિંમતનું ડીઝલ અને અંદાજે 4 લાખ કિંમતની ગાડી સહિત કુલ 4.13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે ડીઝલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ કે વેચાણ ક્યાં કરવા જતું હતું.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023