Geo Gujarat News

અંકલેશ્વર: ગડખોલમાં રખડતા આખલાનો જીવલેણ આતંક, 15 મિનિટ સુધી તાંડવ-5 લોકો ઘાયલ, એક ICUમાં

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ હવે ખુલ્લેઆમ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ગડખોલના ઐયપ્પા મંદિર નજીક એક મનમસ્ત આખલાએ અચાનક ભયંકર આતંક મચાવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનામાં કુલ 5 લોકો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત નાજુક બનતા તેમને ICUમાં ખસેડવામાં આવ્યા છે. આખી ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે દ્રશ્યો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ઘટનાની વિગત મુજબ, એક દક્ષિણ ભારતીય દંપતી રીક્ષા મારફતે ઐયપ્પા મંદિરે દર્શન કરવા અને ત્યાં ચાલી રહેલા ઉત્સવમાં ભાગ લેવા આવ્યું હતું. દંપતી હજુ રીક્ષામાંથી નીચે ઉતર્યું પણ ન હતું ત્યાં જ એક મનમસ્ત આખલાએ અચાનક તેમના પર હુમલો કર્યો હતો. આખલાએ પહેલા મહિલાને જોરદાર ટક્કર મારી જમીન પર પાડી દીધી અને ત્યારબાદ જમીન પર પડેલી મહિલા પર સતત હુમલા કરતો રહ્યો હતો. પત્નીને બચાવવા વચ્ચે પડેલા પતિ પર પણ આખલાએ હુમલો કરી તેમને ફંગોળી દીધા હતા.

આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના લોકો અને પસાર થતા બાઈક ચાલકો દંપતીને બચાવવા દોડી આવ્યા હતા. લોકોએ આખલાને ભગાડવા માટે પાણી ફેંક્યું હતું, પરંતુ તે વધુ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ લાકડીઓ વડે ડરાવવાનો પ્રયાસ કરતા આખલો લોકોની પાછળ દોડી-દોડી હુમલા કરતો રહ્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. લગભગ 15 મિનિટ સુધી આખલાએ રસ્તા પર મોતનું તાંડવ મચાવ્યું હતું અને આ દરમિયાન કુલ 5 લોકોને અડફેટે લીધા હતા.

તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોટાભાગના ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સ્થાનિક તંત્ર સામે રખડતા ઢોરના મુદ્દે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. શહેરમાં રખડતા પશુઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, નહીં તો આવી ઘટનાઓ વધુ જીવલેણ સાબિત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.