ભરૂચ શહેરના ભોલાવ પંચાયત વિસ્તારના ધર્મનગર નજીક માનવતાને સ્પર્શતી ઘટના સામે આવી છે, જ્યાં એક શ્વાન છેલ્લા 21 દિવસથી ગંભીર પીડામાં જીવતો હતો. ખોરાક ખાતી વખતે તેના મોઢાના આગળના ભાગથી ગળા સુધી પ્લાસ્ટિકની બરણી ફસાઈ જતાં તે ખાવા-પીવામાં અસમર્થ બન્યો હતો અને તેના જીવ પર ગંભીર જોખમ ઊભું થયું હતું. આ કરુણ પરિસ્થિતિની જાણ સ્થાનિક રહેવાસી પાર્થ પરીખે જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરતા જ તરત જ મદદ માટે પ્રયત્નો શરૂ થયા હતા. હિરેન શાહ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ વિસ્તાર ખુલ્લો અને ઝાડી-ઝાંખરથી ઘેરાયેલો હોવાથી શ્વાન પકડમાં આવતો ન હતો, જેના કારણે રેસ્ક્યુમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ હતી.

અંતે, 21 દિવસની અવિરત જહેમત બાદ વન વિભાગના અધિકારીઓ અને અન્ય જીવદયા પ્રેમીઓના સહયોગથી ગત રાત્રિએ સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ટીમે શ્વાનને સુરક્ષિત રીતે પકડી તેના મોઢામાં ફસાયેલી પ્લાસ્ટિકની બરણી દૂર કરી, જેના પરિણામે શ્વાનનો જીવ બચી શક્યો. આ માનવતાભર્યા પ્રયાસ બદલ સ્થાનિક રહેવાસીઓએ જીવદયા પ્રેમીઓ, રેસ્ક્યુ ટીમ અને વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના માનવતા, સંવેદનશીલતા અને પ્રાણીઓ પ્રત્યેની કરુણાનો પ્રેરક ઉદાહરણ બની છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023