અંકલેશ્વરના ભડકોદરા ગામ વિસ્તારમાં આવેલ આદિત્ય નગરના ખુલ્લા મેદાનમાંથી આજે વહેલી સવારે એક અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વહેલી સવારે સ્થાનિક રહીશો મેદાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર એક યુવક પર પડી, જે જમીન પર નિશ્ચલ હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. નજીક જઈ તપાસ કરતાં યુવક મૃત હાલતમાં હોવાનું જણાતા તરત જ જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સ્થળ પંચનામું સહિતની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ આસપાસના રહેવાસીઓની પૂછપરછ કરીને મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા, જોકે હજુ સુધી યુવકની કોઈ ચોક્કસ ઓળખ થઈ શકી નથી.
પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈ પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ મૃત્યુ કોઈ અકસ્માત છે, આત્મહત્યા છે કે પછી કોઈ ગુનાહિત કૃત્યનું પરિણામ છે, તે બાબતે પોલીસે તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. હાલ તો જીઆઈડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com